હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિન્દુઓ નિશાના પર : ૨૪ કલાકમાં બે નિર્મમ હત્યાથી ખળભળાટ
યુનુસ સરકારના મૌન વચ્ચે લઘુમતીઓની સુરક્ષા રામભરોસે: ગાઝીપુરમાં વેપારીને મોતને ઘાટ ઉતાર્યો તો રાજબારીમાં પેટ્રોલના પૈસા માંગતા યુવકને કાર નીચે કચડી નાખ્યો : છેલ્લા દોઢ મહિનામાં હત્યાનો આંકડો ૧૭ પર પહોંચ્યો

ઢાકા: બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો પૂર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં બે અલગ-અલગ જિલ્લાઓમાં હિન્દુ નાગરિકોની ક્રૂર હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં ભય અને રોષનું વાતાવરણ છે. ગાઝીપુરના કાલીગંજમાં 'બૈશાખી સ્વીટમીટ' નામની હોટેલ ચલાવતા લિટન ચંદ્ર ઘોષ પર ભીડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે આ મામલે ત્રણ લોકોની અટકાયત કરી હોવા છતાં, સમુદાયમાં અસુરક્ષાની લાગણી વધુ પ્રબળ બની છે.
બીજી કમકમાટીભરી ઘટના રાજબારી જિલ્લાના ગોલંદા સ્ક્વેર પર બની, જ્યાં ફરજ પર તૈનાત ૩૦ વર્ષીય રિપન સાહા નામના યુવકને સરેઆમ મોતને ઘાટ ઉતારી દેવાયો. આરોપ છે કે બીએનપી (BNP) ના યુવા પાંખ સાથે જોડાયેલા અબુલ હાશેમ સુજાને પોતાની કારમાં ૫,૦૦૦ રૂપિયાનું ઇંધણ ભરાવ્યું હતું, પરંતુ પૈસા માંગતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો. રિપને જ્યારે પોતાની પ્રામાણિકતા બતાવતા બાકી રકમ માંગી, ત્યારે તેને કાર નીચે કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટના રાજકીય વગ ધરાવતા લોકોની ઉદ્ધતાઈ અને લઘુમતીઓ પ્રત્યેની નફરતનું વરવું ઉદાહરણ પૂરું પાડે છે.
બાંગ્લાદેશમાં વચગાળાની યુનુસ સરકાર આ ગંભીર મુદ્દે આંખ આડા કાન કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 'રાઈટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ' (RRAG) ના તાજેતરના અહેવાલ મુજબ, ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૧૭ જેટલા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે. સંગઠનો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જો સમયસર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં નહીં આવે, તો ચૂંટણી પૂર્વે આ આંકડો હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે, જે લોકશાહી અને માનવતા માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
