<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ચારધામ યાત્રા ૨૦૨૬: બદ્રીનાથ-કેદારનાથમાં મોબાઈલ અને કેમેરા પર લાદવામાં આવ્યો કડક પ્રતિબંધ

ભક્તો વચ્ચેના વધતા વિવાદો અને મંદિરની ગરિમા જાળવવા વહીવટીતંત્રનો મોટો નિર્ણય : હવે સિંહદ્વારની બહાર જ જમા કરાવવા પડશે ફોન : બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હાઈ-ટેક ક્લોક રૂમની સુવિધા ઊભી કરાશે

ઋષિકેશ:  ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે કમર કસી લીધી છે અને આ વખતે શ્રદ્ધાળુઓ માટે કેટલાક કડક નિયમો જાહેર કર્યા છે. ૧૭ જાન્યુઆરીએ ઋષિકેશ ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બદ્રીનાથ ધામના સિંહદ્વારની અંદર અને કેદારનાથ ધામના પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન કે કેમેરા લઈ જઈ શકશે નહીં. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડે અને આઈજી રાજીવ સ્વરૂપની હાજરીમાં લેવાયેલો આ નિર્ણય મંદિર પરિસરમાં શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ જાળવવા માટે લેવામાં આવ્યો છે. ભક્તોએ હવે દર્શન કરવા માટે ડિજિટલ ઉપકરણો વગર જ લાઈનમાં ઉભા રહેવું પડશે.

આ કડક નિયમ પાછળનું મુખ્ય કારણ ગત વર્ષ ૨૦૨૫ દરમિયાન થયેલા વિવાદો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે ઘણા યાત્રાળુઓ મંદિર પરિસરમાં રીલ્સ બનાવતા અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે પરંપરાગત ભક્તો અને પ્રશાસન વચ્ચે અનેકવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ ગેરશિસ્તને રોકવા માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ખાસ 'ક્લોક રૂમ' (સામાન ઘર) બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યાં શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પોતાના ફોન જમા કરાવી શકશે. વહીવટીતંત્રનું માનવું છે કે આનાથી દર્શનની પ્રક્રિયા ઝડપી બનશે અને ભક્તોનું ધ્યાન માત્ર ભક્તિમાં જ રહેશે.

માત્ર ફોન પર પ્રતિબંધ જ નહીં, પણ યાત્રાળુઓની સુવિધા માટે સમગ્ર માળખાકીય સુવિધાઓને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. ટ્રાફિક મેનેજમેન્ટ, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ અને રસ્તાના સમારકામ માટે તમામ વિભાગોને અત્યારથી જ કામે લગાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ, હરિદ્વારના હર કી પૌડી જેવા પવિત્ર સ્થળોએ પણ સુરક્ષા અને મર્યાદા જાળવવા માટે વિવિધ પોસ્ટરો લગાવીને યાત્રાળુઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ૨૦૨૬ની આ યાત્રાને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે સરકાર આ વખતે 'ઝીરો ટોલરન્સ' નીતિ સાથે આગળ વધી રહી છે.

(8:22 PM IST)