હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સામ,દામ,દંડ, ભેદથી ચૂંટણી લડી: અમારા પ્રતીકો છીનવી શકાય, પણ મૂળિયાં નહીં": BMCમાં પરાજય બાદ ઉદ્ધવ ઠાકરેની ગર્જના
સત્તા, સંપત્તિ અને ષડયંત્રો સામેની લડાઈમાં હાર્યા પણ હિંમત નથી હાર્યા : ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-શિંદે પર 'ગંદી રાજનીતિ'નો આરોપ લગાવતા કહ્યું કે, જેમને ખરીદી શકાતા નથી તેવા વફાદાર શિવસૈનિકો જ અમારી અસલી તાકાત છે

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પરિણામો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ૨૮ વર્ષ સુધી મુંબઈ પર શાસન કર્યા બાદ સત્તા ગુમાવનારા ઉદ્ધવ ઠાકરેએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને સંબોધતા તેમણે સ્વીકાર્યું કે, આ ચૂંટણી કોઈ સમાન મેદાન પર લડવામાં આવી નહોતી. ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, વિરોધીઓએ સત્તા, અઢળક નાણાં અને કેન્દ્રીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે ભલે ચૂંટણી પ્રતીકો અને પક્ષનું નામ છીનવી લેવાયું હોય, પરંતુ જનતાના હૃદયમાં રહેલી શિવસેનાને કોઈ ભૂંસી શકશે નહીં.
ઉદ્ધવ ઠાકરેએ ભાવુક થઈને કહ્યું કે, "હું તો માત્ર પક્ષનો એક ચહેરો છું, પરંતુ આ લડાઈના સાચા શિલ્પીઓ તો ગલીએ-ગલીએ ઉભેલા શિવસૈનિકો છે." તેમણે આક્ષેપ કર્યો કે મહાયુતિએ મુંબઈના મતદારોને લલચાવવા માટે સામ, દામ, દંડ અને ભેદની તમામ નીતિઓ અપનાવી હતી. એકનાથ શિંદેનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યો કે, જેઓ સત્તાની લાલચમાં પક્ષ છોડી ગયા છે તેઓ ભલે સરકારમાં હોય, પણ પાયાના કાર્યકરો આજે પણ માતોશ્રી સાથે અડગ ઉભા છે. તેમની વફાદારીને ખરીદવી એ ભાજપ માટે અશક્ય છે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પરાજયના કારણોનું વિશ્લેષણ કરતા ઠાકરેએ જણાવ્યું કે, વિપક્ષ વિચારે છે કે કાગળો પર પક્ષના ટુકડા કરીને તેઓ વિજય મેળવી લેશે, પરંતુ જમીન સાથે જોડાયેલા સંગઠનને તોડવું મુશ્કેલ છે. તેમણે પોતાના કાઉન્સિલરોને એકજૂથ રહેવાની અપીલ કરતા કહ્યું કે, હાર એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને મરાઠી માણસના હિતો માટે લડત ચાલુ રાખવાની શપથ લેતા તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં જનતા જ આ 'લોકશાહીની હત્યા' કરનારાઓને યોગ્ય જવાબ આપશે. હવે જોવાનું એ રહેશે કે મુંબઈની જનતા આવનારા દિવસોમાં આ સંઘર્ષને કઈ રીતે મૂલવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
