<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

દિલ્હીનું નવું પાવર સેન્ટર: રાહુલ ગાંધી અને ચિરાગ પાસવાન ફરી બન્યા પાડોશી : યાદ આવ્યા જૂના સંબંધો

સોનિયા ગાંધીએ પાસવાન પરિવાર સાથેની દોસ્તી નિભાવવા બંને બંગલા વચ્ચે લગાવ્યો હતો 'ખાસ દરવાજો' : ૨૦ વર્ષ બાદ ફરી ઈતિહાસનું પુનરાવર્તન : સુનહરી બાગ રોડ પર આમને-સામને હશે બે યુવા દિગ્ગજોના આશિયાના

નવી દિલ્હી : દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં રાજકીય સમીકરણોની સાથે હવે પાડોશીઓ પણ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર પાડોશી બન્યા છે. ચિરાગ પાસવાને મકરસંક્રાંતિના પવિત્ર અવસરે તેમના નવા સરનામે, '૧ સુનહરી બાગ' ખાતે દહીં-ચૂડાના ભોજન સાથે ગૃહપ્રવેશ કર્યો છે. ખાસ વાત એ છે કે, આ બંગલો રાહુલ ગાંધીના નિવાસસ્થાન '૫ સુનહરી બાગ'ની બિલકુલ સામે આવેલો છે. સુનહરી બાગ રોડ હવે ભારતીય રાજનીતિનું નવું 'શક્તિ કેન્દ્ર' બની રહ્યું છે, કારણ કે અહીં રાહુલ અને ચિરાગ ઉપરાંત કિરેન રિજિજુ અને ભાજપના સંભવિત આગામી અધ્યક્ષ નીતિન નવીન પણ નિવાસ કરશે.

રાહુલ અને ચિરાગના પિતાઓ, એટલે કે રાજીવ ગાંધી અને રામવિલાસ પાસવાનના સમયથી બંને પરિવારો વચ્ચે અત્યંત ગાઢ મૈત્રી રહી છે. જ્યારે પાસવાન પરિવાર '૧૨ જનપથ' પર રહેતો હતો, ત્યારે સોનિયા ગાંધીએ પાડોશી ધર્મ નિભાવવા માટે બંને બંગલા વચ્ચેની દિવાલમાં એક ખાસ દરવાજો મુકાવ્યો હતો. આ દરવાજો માત્ર લાકડાનો ટુકડો નહોતો, પણ વિશ્વાસનું પ્રતીક હતો, જેનો ઉપયોગ સોનિયા ગાંધી અને રામવિલાસ પાસવાન રાજકીય મસલતો માટે કરતા હતા. ૨૦૦૪માં મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાની ઐતિહાસિક સલાહ પણ આ જ પાડોશી સંબંધોના જોરે લેવાઈ હતી. ચિરાગ પાસવાનની ડેબ્યૂ ફિલ્મનું પ્રીમિયર પણ ખાસ ગાંધી પરિવાર માટે યોજાયું હતું, જે આ પરિવારની નિકટતા દર્શાવે છે.

જોકે, વર્તમાન રાજકીય સ્થિતિમાં બંને નેતાઓ અલગ-અલગ ધ્રુવ પર છે. ચિરાગ પાસવાન એનડીએના મજબૂત સ્તંભ છે, જ્યારે રાહુલ ગાંધી વિપક્ષનો મુખ્ય ચહેરો છે. જ્યારે ચિરાગને રાહુલ સાથે ફરી પાડોશી બનવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સૂચક રીતે જવાબ આપ્યો કે, "તે પેઢી અલગ હતી, આ પેઢી અલગ છે." ભલે આજે દિવાલનો એ જૂનો દરવાજો નથી રહ્યો અને રાજકીય વિચારધારાઓ અલગ છે, પરંતુ સુનહરી બાગ રોડ પર આમને-સામને રહેલા આ બે યુવા નેતાઓ વચ્ચેની વ્યક્તિગત કેમેસ્ટ્રી આગામી સમયમાં દિલ્હીના રાજકારણમાં કયો વળાંક લાવે છે તેના પર સૌની નજર રહેશે.

(8:33 PM IST)