હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માલેગાંવમાં કોંગ્રેસના 'હાથ'માંથી મુસ્લિમ વોટબેંક સરકી: નવી બનેલી ISLAM પાર્ટી અને ઓવૈસીની AIMIM એ મચાવી ધમાલ, કોંગ્રેસ માત્ર ૩ બેઠકો પર ફેંકાઈ!
પાવરલૂમ સિટીમાં આસિફ શેખનો જાદુ ચાલ્યો; ૮૪ બેઠકોમાંથી ઇસ્લામ ગઠબંધનને ૪૦ બેઠકો મળી - શિંદેની શિવસેનાએ પણ ગજવ્યું મેદાન, ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ

માલેગાંવ :મહારાષ્ટ્રના રાજકારણમાં 'પાવરલૂમ સિટી' તરીકે જાણીતા માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પરિણામોએ દિલ્હી સુધીના રાજકીય કોરિડોરમાં ભૂકંપ લાવી દીધો છે. દાયકાઓથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ શહેરમાં મુસ્લિમ મતદારોએ પરંપરાગત રાજકારણને તિલાંજલિ આપીને નવો જ જનાદેશ આપ્યો છે. પૂર્વ ધારાસભ્ય આસિફ શેખની નવી રચાયેલી 'ઇસ્લામ' (ISLAM) પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ મળીને કોંગ્રેસના વર્ચસ્વના ધજાગરા ઉડાવી દીધા છે.
માલેગાંવના રાજકારણમાં આસિફ શેખે 'ઇન્ડિયન સેક્યુલર લાર્જેસ્ટ એસેમ્બલી ઓફ મહારાષ્ટ્ર' (ISLAM) નામની નવી પાર્ટી બનાવીને ઈતિહાસ રચી દીધો છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં જ આ પાર્ટીએ ૩૫ બેઠકો જીતીને વિરોધીઓને સ્તબ્ધ કરી દીધા છે. સમાજવાદી પાર્ટીની ૫ બેઠકો સાથેના ગઠબંધન બાદ આ આંકડો ૪૦ પર પહોંચ્યો છે, જે બહુમતીના જાદુઈ આંકડા (૪૩) થી માત્ર ૩ ડગલાં દૂર છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ માલેગાંવમાં પોતાની તાકાત ત્રણ ગણી વધારી દીધી છે. ગત ચૂંટણીમાં માત્ર ૭ બેઠકો ધરાવતી AIMIM આ વખતે ૨૧ બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી શક્તિ બની છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ પણ ૧૮ બેઠકો જીતીને મુસ્લિમ બહુલ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી છે.
સૌથી ચોંકાવનારા સમાચાર કોંગ્રેસ અને ભાજપ માટે આવ્યા છે. જે કોંગ્રેસ ગઈ ટર્મમાં સત્તા પર હતી, તે આ વખતે માત્ર ૩ બેઠકો પર સમેટાઈ ગઈ છે. શહેર પ્રમુખ એજાઝ બેગ અને તેમની પત્ની સિવાય કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો જીતી શક્યો નથી. ભાજપની હાલત પણ વધુ ખરાબ થઈ છે અને તે માત્ર ૨ બેઠકો પર અટકી ગઈ છે.
માલેગાંવના આ પરિણામોએ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજો માટે પણ ખતરાની ઘંટડી વગાડી છે. મુસ્લિમ મતદારોમાં આવેલું આ પરિવર્તન સૂચવે છે કે હવે તેઓ માત્ર જૂના સૂત્રો કે ઓળખના આધારે વોટ આપવા તૈયાર નથી. કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય છે કારણ કે તેની હકૂમત વાળા વિસ્તારોમાં પ્રાદેશિક અને ધાર્મિક ગઠબંધનો હવે સીધો પડકાર ફેંકી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
