News of Saturday, 17th January 2026
ગાઝામાં શાંતિ સ્થાપવા ટ્રમ્પનો માસ્ટર પ્લાન: હાઈ-પ્રોફાઈલ 'શાંતિ બોર્ડ'ની જાહેરાત સાથે બીજા તબક્કાનો પ્રારંભ
જેરેડ કુશનર અને અજય બાંગા સહિતના દિગ્ગજો સંભાળશે મોરચો; ગાઝાના પુનર્નિર્માણ અને સ્થિરતા માટે અમેરિકાનો આક્રમક અભિગમ

વોશિંગ્ટન : મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અને ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. ટ્રમ્પે તેમની મહત્વાકાંક્ષી '20-પોઇન્ટ શાંતિ યોજના'ના બીજા તબક્કાના અમલીકરણ માટે નવા પાવરફુલ શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. આ બોર્ડ માત્ર યુદ્ધવિરામ જ નહીં, પરંતુ ગાઝાના ભવિષ્યના નકશા પર કામ કરશે.
દિગ્ગજ નેતાઓની 'ડ્રીમ ટીમ'
આ શાંતિ બોર્ડમાં વિશ્વના પ્રભાવશાળી નેતાઓ અને નાણાકીય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, અને વિશ્વ બેંકના પ્રમુખ અજય બાંગા જેવા નામો સામેલ છે. એટલું જ નહીં, ટ્રમ્પના વિશ્વાસુ જમાઈ જેરેડ કુશનર અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટના સીઈઓ માર્ક રોવાન પણ આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે આ શાંતિ બોર્ડના અધ્યક્ષ તરીકે સુકાન સંભાળશે.
પુનર્નિર્માણ અને રોકાણ પર ભાર
આ યોજનાનો બીજો તબક્કો ગાઝામાં માત્ર સત્તાકીય માળખું ઊભું કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં પ્રાદેશિક સહયોગ, મોટા પાયે રોકાણ, ભંડોળની વ્યવસ્થા અને ગાઝાના પુનર્નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસનનો હેતુ ગાઝામાં લાંબા ગાળાની આર્થિક અને સામાજિક સ્થિરતા લાવવાનો છે, જેથી ફરી ક્યારેય હિંસાનું વાતાવરણ ન સર્જાય.
વૈશ્વિક સહયોગની વ્યૂહરચના
આ મિશનમાં તુર્કીના વિદેશ પ્રધાન હકન ફિદાન અને કતારી રાજદ્વારી અલી અલ થાવદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે અમેરિકા આ શાંતિ પ્રક્રિયામાં મુસ્લિમ દેશોને પણ સાથે રાખીને ચાલવા માંગે છે. આર્યેહ લાઇટસ્ટોન અને જોશ ગ્રુએનબૌમ આ સમગ્ર કામગીરીનું દૈનિક વ્યૂહરચના મુજબ સંચાલન કરશે.
અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી આ શાંતિ યોજનાના બીજા તબક્કાની જાહેરાત થતા જ હવે સમગ્ર વિશ્વની નજર ગાઝા પર મંડાઈ છે. શું આ હાઈ-પ્રોફાઈલ ટીમ દાયકાઓ જૂના સંઘર્ષનો કાયમી ઉકેલ લાવી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
