<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઓપરેશન સાગર બંધુ: શ્રીલંકાના પહાડોમાં ભારતીય સેનાનો એન્જિનિયરિંગ ચમત્કાર, માત્ર ગણતરીના દિવસોમાં ત્રીજો 'બેઈલી બ્રિજ' તૈયાર

ચક્રવાત 'દિટવાહ'એ સર્જેલી તબાહી બાદ કેન્ડી અને નુવારા એલિયા ફરી જોડાયા; મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય સેનાએ ભજવી 'સંકટમોચન'ની ભૂમિકા

કોલંબો: પાડોશી પ્રથમની નીતિને ચરિતાર્થ કરતા, ભારતીય સેનાના જાંબાઝ એન્જિનિયરોએ શ્રીલંકામાં ચાલી રહેલા 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ચક્રવાત દિટવાહને કારણે છિન્નભિન્ન થયેલા શ્રીલંકાના માળખાગત ઢાંચાને બેઠું કરવા માટે ભારતીય સેનાએ B-429 હાઈવે પર 120 ફૂટ લાંબો ત્રીજો 'બેઈલી બ્રિજ' (Bailey Bridge) બનાવીને ઈતિહાસ રચ્યો છે.
એક મહિનાથી તૂટેલો સંપર્ક ફરી જીવંત થયો
શ્રીલંકાના મધ્ય પ્રાંતમાં આવેલો આ પુલ કેન્ડી અને નુવારા એલિયા જિલ્લાઓને જોડતી અત્યંત મહત્વની કડી છે. એક મહિના પહેલા ત્રાટકેલા વિનાશક ચક્રવાતને કારણે આ હાઈવેનો સંપર્ક કપાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકો અને પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. ભારતીય સેનાના કુશળ એન્જિનિયરોએ પહાડી રસ્તાઓ અને પડકારજનક ભૂગોળ વચ્ચે પણ અદભૂત એન્જિનિયરિંગ કૌશલ્ય પ્રદર્શિત કરીને આ જીવનરેખા ફરી શરૂ કરી છે.
જાફના અને કેન્ડી બાદ હવે ત્રીજો પડાવ
આ અગાઉ પણ ભારતીય સેનાએ શ્રીલંકાના જાફના અને કેન્ડી પ્રદેશોમાં બે મજબૂત બેઈલી બ્રિજ બનાવીને રસ્તાઓ ખુલ્લા કર્યા હતા. આ ત્રીજા બ્રિજનું નિર્માણ દર્શાવે છે કે જ્યારે પણ પાડોશી દેશ પર કુદરતી આફત આવે છે, ત્યારે ભારત માત્ર શબ્દોથી જ નહીં પણ જમીની સ્તરે સંસાધનો અને શક્તિ સાથે મદદ માટે હંમેશા તૈયાર રહે છે.
મિત્રતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ભારતીય સેના દ્વારા તૈનાત કરવામાં આવેલા સંસાધનો અને એન્જિનિયરિંગ એક્સપર્ટાઈઝની શ્રીલંકન સરકારે પણ પ્રશંસા કરી છે. આ પુલ માત્ર બે જિલ્લાઓને જ નહીં, પરંતુ ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સંબંધો અને એકતાની ભાવનાને પણ વધુ મજબૂત બનાવે છે. મુશ્કેલ ભૌગોલિક સ્થિતિમાં ભારતીય સૈનિકોની આ કાર્યક્ષમતાએ વૈશ્વિક સ્તરે ભારતની 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકેની છબી વધુ ઉજ્જવળ કરી છે.

(8:47 PM IST)