<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રાજ્યસભામાં કાયદાનો 'કાટ': 3 દાયકાથી પેન્ડિંગ છે વસ્તી નિયંત્રણ બિલ, જાણો કેમ હજુ સુધી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે 19 મહત્વના બિલો

1992થી અટવાયેલા સુધારા: બેથી વધુ બાળકો હોય તો નેતાઓને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ ધરાવતું બિલ હજુ પણ 'વેઈટિંગ'માં

નવી દિલ્હી : ભારતીય લોકશાહીના 'સ્થાયી ગૃહ' તરીકે ઓળખાતી રાજ્યસભામાં કાયદાકીય પ્રક્રિયાની એક અજીબ તસવીર સામે આવી છે. લોકસભા ભલે વિસર્જિત થઈ જતી હોય, પરંતુ રાજ્યસભામાં રજૂ થયેલા બિલો ક્યારેય સમાપ્ત થતા નથી. આ જ કારણ છે કે આજે પણ રાજ્યસભામાં ૧૯ જેટલા સરકારી બિલો પેન્ડિંગ છે, જેમાં સૌથી જૂનું બિલ છેલ્લા ૩૪ વર્ષથી પોતાની વારી આવવાની રાહ જોઈ રહ્યું છે!
વસ્તી નિયંત્રણ અને નેતાઓની લાયકાત
સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, ૧૯૯૨માં રજૂ કરવામાં આવેલું 'બંધારણ (૭૯મો સુધારો) બિલ' હજુ પણ પેન્ડિંગ છે. આ બિલમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે કરતાં વધુ બાળકો હોય, તો તેમને પદ માટે ગેરલાયક ઠેરવવા જોઈએ. નાના પરિવારના ધોરણને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવેલું આ બિલ ત્રણ દાયકાથી વધુ સમયથી રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અભરાઈએ ચડાવેલું છે.
દિલ્હીના ભાડાથી લઈને ખેડૂતોના બીજ સુધીની ફાઈલો
માત્ર વસ્તી નિયંત્રણ જ નહીં, પણ ૧૯૯૭નું 'દિલ્હી ભાડું સુધારા બિલ' પણ ભાડૂઆતો અને મકાનમાલિકોના વિરોધને કારણે અટવાયેલું છે. તેવી જ રીતે, ૨૦૦૪નું 'બીજ બિલ', જેનો હેતુ બિયારણની ગુણવત્તા સુધારવાનો હતો, તે પણ હજુ કાયદો બની શક્યું નથી. નવાઈની વાત એ છે કે સરકાર હવે ૨૦૨૫નું નવું બીજ બિલ લાવવાની તૈયારી કરી રહી છે, ત્યારે જૂનું બિલ હજુ પણ રેકોર્ડ પર પેન્ડિંગ છે.
ખડગે અને યુપીએ શાસનના વારસા સમાન બિલો
પેન્ડિંગ બિલોની યાદીમાં વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ્યારે શ્રમ મંત્રી હતા ત્યારે ૨૦૧૧માં રજૂ કરેલું 'સ્થળાંતર કામદારોનું બિલ' પણ સામેલ છે. આ ઉપરાંત, ૨૦૧૩માં યુપીએ-૨ સરકાર દરમિયાન રજૂ થયેલા બાંધકામ કામદારો અને અનુસૂચિત જાતિ-જનજાતિના પ્રતિનિધિત્વ અંગેના અનેક બિલો હજુ પણ ગૃહની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
એનડીએ સરકારના પણ અનેક બિલો લટકેલા
વર્તમાન એનડીએ શાસન દરમિયાન રજૂ થયેલા ૨૦૧૯ના મહત્વના બિલો, જેમાં ઉત્તર-પૂર્વના રાજ્યોની સ્વાયત્ત પરિષદોની સત્તા વધારવી અને બિન-નિવાસી ભારતીયો (NRI) ના લગ્નની નોંધણી જેવા વિષયો સામેલ છે, તે પણ હજુ પેન્ડિંગ યાદીમાં છે. સૌથી છેલ્લે ઉમેરાયેલું બિલ ૨૦૨૦નું 'જંતુનાશક વ્યવસ્થાપન બિલ' છે.
રાજ્યસભાના બુલેટિન દ્વારા બહાર આવેલી આ વિગતો દર્શાવે છે કે કાયદા બનાવવાની પ્રક્રિયા કેટલી જટિલ અને ક્યારેક કેટલી ધીમી હોઈ શકે છે.

(8:48 PM IST)