<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

મહારાષ્ટ્રમાં ભાજપનો 'સુનામી': ૬૬% ના સ્ટ્રાઈક રેટ સાથે વિરોધીઓના ગઢ કાંગરે-કાંગરે ધ્વસ્ત, BMC માં ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો સૂર્યાસ્ત

૨૦૧૭ની સરખામણીએ ભાજપે બેઠકોનો આંકડો ૧,૪૨૫ પર પહોંચાડ્યો; મુંબઈમાં ૪૫% વોટ શેર સાથે સૌથી મોટી તાકાત - કોંગ્રેસ અને NCP ના ગઢમાં ગાબડાં

મુંબઈ : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ રાજ્યના રાજકીય નકશા પર ભગવો રંગ વધુ ઘટ્ટ બનાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં 'મેક્સિમમ હિટ' ની રણનીતિ સાથે વિરોધ પક્ષોને જોરદાર પછડાટ આપી છે. ખાસ કરીને દેશની સૌથી ધનિક નાગરિક સંસ્થા BMC માં ભાજપે ૧૩૫ બેઠકો પર લડીને ૮૯ બેઠકો જીતી લીધી છે, જે ૬૬ ટકાનો અત્યંત ઊંચો સફળતા દર (સ્ટ્રાઈક રેટ) દર્શાવે છે. આ વિજય સાથે જ મુંબઈમાં ઠાકરે પરિવારના અઢી દાયકાથી ચાલતા વર્ચસ્વનો અંત આવ્યો છે.
શિવસેના અને NCP ના વિભાજનનો ભાજપને સીધો ફાયદો
રાજકીય વિશ્લેષકોના મતે, ૨૦૧૭માં જે અવિભાજિત શિવસેના પાસે ૫૦૧ બેઠકો હતી, તે હવે શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ વચ્ચે વહેંચાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની સેના (UBT) એ ૧૬૦ બેઠકો પર નસીબ અજમાવ્યું હતું પણ માત્ર ૬૫ બેઠકો પર જીત મેળવી શકી છે. બીજી તરફ, શરદ પવારની NCP ને સૌથી મોટો ફટકો પડ્યો છે, જે ૩૦૯ બેઠકોથી ઘટીને માત્ર ૧૬૭ બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ શૂન્યાવકાશનો સીધો લાભ ઉઠાવીને ભાજપે પોતાની બેઠકોની સંખ્યા ૧,૧૨૫ થી વધારીને ૧,૪૨૫ કરી દીધી છે.
મતદારોનો મિજાજ: ભાજપ તરફી એકત્રીકરણ
મુંબઈના આંકડા જોઈએ તો ભાજપ ૪૫.૩૯ ટકા મતો સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ઉદ્ધવ જૂથ ૨૭.૩૭ ટકા સાથે બીજા ક્રમે રહ્યું છે. કોંગ્રેસની હાલત વધુ કફોડી બની છે, જે ૧૫૧ બેઠકો લડવા છતાં માત્ર ૨૪ બેઠકો જીતી શકી છે. રાજ ઠાકરેની MNS નો ગ્રાફ પણ ૩ ટકાથી નીચે સરકી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, આ ચૂંટણીમાં અપક્ષોનું વર્ચસ્વ ઘટ્યું છે અને મતદારોએ સંગઠિત પક્ષો પર વધુ ભરોસો મૂક્યો છે.
બૂથ લેવલનું મેનેજમેન્ટ અને ઉમેદવારોની પસંદગી
ભાજપની આ સફળતા પાછળ તેની માઇક્રો-પ્લાનિંગ અને બૂથ સ્તરની ગતિશીલતા જવાબદાર માનવામાં આવે છે. વિરોધ પક્ષો જ્યારે આંતરિક વિખવાદમાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપે મત ટ્રાન્સફર કરવાની પોતાની કાર્યક્ષમતા સાબિત કરી બતાવી છે. AIMIM એ પણ ૩૦ ટકા સ્ટ્રાઈક રેટ સાથે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) વ્યાપક પ્રચાર છતાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે.

(10:18 PM IST)