શિક્ષણના નામે છેતરપિંડીનો મોટો પર્દાફાશ: ગાઝિયાબાદમાં NCERTના ૪૪,૦૦૦થી વધુ નકલી પુસ્તકોનો જથ્થો ઝડપાયો, ૨ કરોડનું કૌભાંડ જોઈ પોલીસ પણ દંગ!
દિલ્હી પોલીસે લોનીમાં દરોડા પાડી હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસ મશીનો જપ્ત કર્યા; ૩ આરોપીઓની ધરપકડ, ગેરકાયદે ફેક્ટરીમાં છપાતા હતા પાયરેટેડ પાઠ્યપુસ્તકો

ગાઝિયાબાદ : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા એક મોટા રેકેટનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાઝિયાબાદના લોની વિસ્તારમાં આવેલી એક ગેરકાયદેસર પ્રિન્ટિંગ ફેક્ટરી પર ત્રાટકેલી પોલીસે કુલ ૪૪,૮૬૨ નકલી NCERT પાઠ્યપુસ્તકોનો જથ્થો જપ્ત કર્યો છે. બજારમાં આ પુસ્તકો અને પ્રેસ મશીનરીની કુલ કિંમત આશરે ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
સંગઠિત નેટવર્કનો પર્દાફાશ
દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે એક ટોળકી નકલી NCERT પુસ્તકો છાપીને બજારમાં સપ્લાય કરી રહી છે. આ બાતમીના આધારે લોનીમાં દરોડા પાડવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાસ્થળેથી માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ બે અત્યાધુનિક ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ મશીનો અને પેપરના મોટા રોલ પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ એક સુનિયોજિત નેટવર્ક હતું જે અસલી પુસ્તકો જેવા જ દેખાતા પાયરેટેડ પુસ્તકો તૈયાર કરી વેચતું હતું.
૩ શખ્સોની ધરપકડ
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સસ્તા કાગળનો ઉપયોગ કરીને આ પુસ્તકો છાપતા હતા અને અસલી કિંમતે બજારમાં વેચીને મોટો નફો કમાતા હતા. આ નકલી પુસ્તકોમાં ઘણીવાર સ્પેલિંગની ભૂલો અને નબળી પ્રિન્ટિંગ હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડતી હતી.
વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ
પોલીસે વાલીઓને અપીલ કરી છે કે પુસ્તકો ખરીદતી વખતે તેના પર રહેલા હોલોગ્રામ અને પ્રકાશનની વિગતોની બારીકાઈથી તપાસ કરવી. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં કયા કયા શહેરોમાં નકલી પુસ્તકો મોકલવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
