તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
હિમાચલમાં ભાજપનો માસ્ટરપ્લાન: 'વિકસિત ભારત જી-રામ-જી' યોજના સાથે મેદાને ઉતરશે ભગવો પક્ષ; મતદાર યાદીમાંથી 'ઘૂસણખોરો'ને બહાર કરવાનો હુંકાર
રામ નામથી કોંગ્રેસને કેમ પેટમાં દુખે છે? રાજીવ બિંદલનો આકરો સવાલ; ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી સાથે ગ્રામીણ વિસ્તારોમાં જનસંપર્ક તેજ

શિમલા:દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાના સંકેતો મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશ ભાજપે આજે શિમલાથી 'મતદાર યાદી સુધારણા' અને પીએમ મોદીની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી-રામ-જી' યોજનાને લઈને એક રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે, આ અભિયાનનો હેતુ લોકશાહીને પવિત્ર રાખવાનો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો છે.
ઘૂસણખોરો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક
રાજીવ બિંદલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દેશમાં અને રાજ્યમાં મોટી સંખ્યામાં ઘૂસણખોરો પ્રવેશી રહ્યા છે જેઓ ખોટી રીતે આધાર કાર્ડ અને મતદાર યાદીમાં નામ મેળવવામાં સફળ રહ્યા છે. ભાજપ આ 'વિશેષ સઘન સંશોધન' (SIR) ઝુંબેશ દ્વારા મતદાર યાદીને શુદ્ધ કરવાનું કામ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ પ્રક્રિયાનો વિરોધ એટલા માટે કરી રહી છે કારણ કે તેમને તેમના 'વોટ બેંક' એવા ઘૂસણખોરોના નામ કપાઈ જવાનો ડર છે.
'જી-રામ-જી' યોજના: રોજગારનો નવો રસ્તો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી પહેલ 'વિકસિત ભારત જી-રામ-જી' અંગે માહિતી આપતા બિંદલે કહ્યું કે, આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષમાં ૧૨૫ દિવસની ખાતરીપૂર્વકની રોજગારી મળશે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જે યોજના ગરીબોના હિતમાં છે, તેનો વિરોધ કોંગ્રેસ માત્ર એટલા માટે કરી રહી છે કારણ કે તેમાં 'રામ' નું નામ જોડાયેલું છે. બિંદલના મતે, આ કોંગ્રેસનો ભગવાન રામ પ્રત્યેનો દ્વેષ અને અણગમો દર્શાવે છે.
ગામડે-ગામડે જશે ભાજપના કાર્યકરો
ભાજપે આ રણનીતિ હેઠળ સમગ્ર હિમાચલ પ્રદેશમાં ગ્રામ્ય સ્તરે કાર્યશાળાઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કાર્યકરો ઘરે-ઘરે જઈને લોકોને સમજાવશે કે કેવી રીતે આ નવી રોજગાર યોજના તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને શા માટે મતદાર યાદીમાં સાચા નાગરિકોના નામ હોવા જરૂરી છે. શનિવારે શિમલામાં યોજાયેલી રાજ્ય સ્તરની વર્કશોપ આ વ્યૂહરચનાનો જ એક ભાગ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
