હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
RCB ફેન્સ માટે 'લોટરી' લાગી: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી ગુંજશે 'કોહલી-કોહલી'ના નારા; IPL 2026 ની મેચો યોજવા માટે રાજ્ય સરકારની લીલી ઝંડી!
દુઃખદ અકસ્માત બાદ દોઢ વર્ષથી સુમસામ પડેલા સ્ટેડિયમમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રાખશે સુરક્ષા પર નજર; વેંકટેશ પ્રસાદના પ્રયત્નો ફળ્યા, બેંગલુરુમાં ક્રિકેટનો ઉત્સવ પરત ફરશે

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને વિરાટ કોહલીના પ્રશંસકો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક સરકારે આખરે બેંગલુરુના પ્રતિષ્ઠિત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય અને IPL મેચોના આયોજન માટે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતાની સાથે જ હવે બેંગલુરુમાં ફરીથી હાઇ-પ્રોફાઇલ મેચો અને પ્રેક્ષકોની ચિચિયારીઓ સાંભળવા મળશે.
શા માટે બંધ હતું સ્ટેડિયમ?
ગયા વર્ષે ૪ જૂને એક ભયાનક દુર્ઘટના ઘટી હતી, જેમાં ટ્રોફીની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષાના કારણોસર ચિન્નાસ્વામી સ્ટેડિયમને તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ માટે સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્થિતિ એવી હતી કે વિજય હજારે ટ્રોફી અને મહિલા વર્લ્ડ કપની મેચો પણ અહીંથી ખસેડીને શહેરની બહાર અથવા અન્ય રાજ્યોમાં લઈ જવી પડી હતી. આ જ કારણે RCB એ IPL 2026 માટે નવી મુંબઈ અને રાયપુરને પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
AI કેમેરા અને સુરક્ષાનો અભેદ કિલ્લો
નવા નિયુક્ત KSCA પ્રમુખ વેંકટેશ પ્રસાદે સ્ટેડિયમમાં ક્રિકેટ પરત લાવવાને પોતાની પ્રાથમિકતા બનાવી હતી. સરકારે લાદેલી શરતો મુજબ, હવે સ્ટેડિયમમાં ભીડ પર નજર રાખવા માટે અત્યાધુનિક AI-સંચાલિત (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ ચાહકોની ગતિવિધિ પર સતત નજર રાખશે જેથી ભવિષ્યમાં ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય. KSCA એ સરકારને ખાતરી આપી છે કે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનના તમામ નિયમોનું અક્ષરશઃ પાલન કરવામાં આવશે.
શું બધી મેચો બેંગલુરુમાં રમાશે?
IPL શરૂ થવાને હવે માત્ર બે મહિનાનો સમય બાકી છે ત્યારે આ સમાચાર RCB કેમ્પ માટે સંજીવની સમાન છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે RCB પોતાની તમામ ૭ હોમ મેચો બેંગલુરુમાં રમશે કે કેટલીક મેચો રાયપુર કે નવી મુંબઈમાં યોજાશે. ફ્રેન્ચાઇઝી આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરશે. હાલ તો એટલું નક્કી છે કે બેંગલુરુના ચાહકો ફરી એકવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોહલીને રમતો જોઈ શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
