હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી: મહારાષ્ટ્રની તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. ૨,૮૬૯ વોર્ડના પરિણામો જોતા લાગે છે કે આ ચૂંટણીમાં શરદ પવાર અને અજિત પવારની NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) ને બાદ કરતાં લગભગ તમામ પક્ષોને કોઈને કોઈ રીતે જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, તો વિપક્ષી ગઠબંધનના સાથીઓએ પણ પોતાની તાકાત બતાવી છે.
ભાજપે ૧,૪૨૫ વોર્ડ જીતીને મહારાષ્ટ્રમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. ખાસ કરીને મુંબઈમાં પ્રથમવાર ભાજપનો મેયર બનવાની શક્યતાએ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. આ વિજયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કદ પણ વધાર્યું છે. બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેનાએ ભલે મુંબઈમાં ઓછી બેઠકો મેળવી હોય, પરંતુ થાણેમાં એકહથ્થુ શાસન જાળવી રાખીને સાબિત કર્યું છે કે ભાજપને બહુમતી માટે હજુ પણ તેમની જરૂર પડશે. શિંદે જૂથે અત્યારથી જ મેયર પદ માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.
પક્ષમાં ભંગાણ અને નામ-નિશાન ગુમાવ્યા બાદ પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ મુંબઈમાં ૬૫ બેઠકો જીતીને શિંદે જૂથ (૨૯ બેઠકો) ને પછાડ્યું છે. આ પરિણામો દર્શાવે છે કે મુંબઈના મતદારો હજુ પણ ઠાકરે પરિવારના વારસામાં વિશ્વાસ ધરાવે છે. રાજ ઠાકરેની MNS માટે પણ આ ચૂંટણી 'સંજીવની' સમાન રહી છે, જ્યાં ઉદ્ધવ સાથેના જોડાણને કારણે તેમને BMCમાં ૬ બેઠકો મળી છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ફટકો પવાર પરિવારને પડ્યો છે. છેલ્લી ઘડીએ કાકા-ભત્રીજાએ હાથ મિલાવ્યા હોવા છતાં, તેઓ પોતાના ગઢ ગણાતા પુણે અને પિંપરી-ચિંચવડમાં ભાજપને રોકી શક્યા નથી. અજિત પવારની રાજકીય વિશ્વસનીયતા પર હવે સવાલો ઉભા થયા છે. આ દરમિયાન, અસાદુદ્દીન ઓવૈસીની AIMIM એ ૯૫ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે મહારાષ્ટ્રનો મુસ્લિમ મતદાર હવે કોંગ્રેસ કે સપાને બદલે પતંગ (AIMIM) પર પસંદગી ઉતારી રહ્યો છે. છત્રપતિ સંભાજીનગરમાં ૨૪ બેઠકો સાથે તેઓ મજબૂત શક્તિ તરીકે ઉભર્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM