<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

બાંગ્લાદેશમાં લોહીની હોળી: એક જ દિવસમાં બે હિન્દુઓની નિર્મમ હત્યાથી હાહાકાર, ચૂંટણી પહેલા લઘુમતીઓ પર આભ ફાટ્યું; મોહમ્મદ યુનુસ સરકાર મૌન!

પેટ્રોલના પૈસા માંગતા યુવા કાર્યકરે રિપન સાહાને કાર નીચે કચડી નાખ્યો, તો હોટલ માલિક લિટન ઘોષને ટોળાએ માર માર્યો - ૪૫ દિવસમાં ૧૭ હિન્દુઓના જીવ ગયા

ઢાકા: બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા હિન્દુ લઘુમતી સમુદાય પર અત્યાચારની ચરમસીમા જોવા મળી રહી છે. શનિવારે ફરી એકવાર પાડોશી દેશ લોહીથી ખરડાયો હતો, જ્યાં અલગ-અલગ બે ઘટનાઓમાં બે હિન્દુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં વસતા લઘુમતીઓમાં ભય અને આક્રોશની જ્વાળા ભડકાવી દીધી છે.
 પહેલી હૃદયદ્રાવક ઘટના રાજબારી જિલ્લાના ગોલંદા ક્રોસિંગ પાસે બની હતી. કરીમ ફ્યુઅલ સ્ટેશન પર કામ કરતા ૩૦ વર્ષીય રિપન સાહાનું માત્ર એટલા માટે મોત નીપજ્યું કારણ કે તેણે પોતાની ફરજ બજાવી હતી. અહેવાલો મુજબ, BNP ની યુવા પાંખ સાથે જોડાયેલા અબુલ હાશેમ સુજાને પોતાની કારમાં ૫,૦૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ પૈસા આપ્યા વગર ભાગી રહ્યો હતો. જ્યારે રિપને તેને અટકાવીને પેમેન્ટ માંગ્યું, ત્યારે સુજાને તેને જાહેરમાં ગાળો આપી અને નિર્દયતાથી તેની કાર રિપન પર ચડાવી દીધી હતી. રિપનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
 બીજી ઘટના ગાઝીપુર જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં બની હતી. અહીં 'બૈશાખી સ્વીટમીટ એન્ડ હોટેલ' ચલાવતા લિટન ચંદ્ર ઘોષ (જેઓ સ્થાનિકોમાં 'કાલી' તરીકે જાણીતા હતા) પર સવારે ૧૧ વાગ્યાની આસપાસ લોકોના એક ઉશ્કેરાયેલા જૂથે હુમલો કર્યો હતો. ભીડ દ્વારા તેમને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું. જોકે પોલીસે આ મામલે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ભયનો માહોલ છે.
સરકારના કાનમાં કપાસ!: રાઇટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ (RRAG) ના આંકડા ચોંકાવનારા છે. ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં જ ૧૫ હિન્દુઓની હત્યા થઈ હતી, જે આજના બે કેસ ઉમેરતા ૧૭ પર પહોંચી છે. મોહમ્મદ યુનુસનું વહીવટીતંત્ર આ હિંસા રોકવામાં સદંતર નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે. સ્થાનિક હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે અને ગુનેગારોને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. જો આ સિલસિલો ન અટક્યો તો આગામી ચૂંટણી લઘુમતીઓ માટે લોહિયાળ સાબિત થઈ શકે છે.


 

(10:59 PM IST)