હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આકાશમાં ભારતનો અભેદ કિલ્લો: ફ્રાન્સ પાસેથી વધુ ૧૧૪ 'રાફેલ' ખરીદવા માટે લીલી ઝંડી, ૨૦૧૬ કરતા પણ સસ્તો પડશે સોદો; હવે દુશ્મનોની ખેર નથી!
સોર્સ કોડ ટ્રાન્સફરની મોટી શરત સાથે ભારતે ફ્રાન્સને મનાવ્યું, રડાર અને હથિયારોનું એકીકરણ હવે ભારતીય એન્જિનિયરો જ કરશે - ફેબ્રુઆરીમાં મોદી-મેક્રોન મુલાકાત પર સૌની નજર

નવી દિલ્હી:ભારતીય વાયુસેનાની આક્રમક ક્ષમતાને નવી ઊંચાઈ પર લઈ જવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ પ્રાપ્તિ બોર્ડ (DPB) એ ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન પાસેથી ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ સોદો માત્ર ભારતની સંરક્ષણ શક્તિ જ નહીં વધારે, પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ભારતને આત્મનિર્ભર બનાવશે. ખાસ વાત એ છે કે આ વખતે રાફેલની કિંમત ૨૦૧૬ના સોદા અને અન્ય યુરોપીયન દેશો દ્વારા ખરીદાયેલા વિમાનો કરતા ઓછી રહેવાની શક્યતા છે.
આ સોદાની સૌથી મહત્વની શરત 'સોર્સ કોડ'નું ટ્રાન્સફર છે. અત્યાર સુધી કોઈપણ ફેરફાર માટે ફ્રાન્સ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સોર્સ કોડ મળવાથી ભારતીય ઇજનેરો પોતે જ રાફેલમાં સ્વદેશી હથિયારો, સેન્સર અને સુરક્ષિત ડેટા લિંક્સને જોડી શકશે. આનાથી યુદ્ધના સમયે ભારત પોતાની જરૂરિયાત મુજબ વિમાનના સોફ્ટવેરમાં ફેરફાર કરી શકશે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે.
૧૧૪ ફાઇટર જેટના આ તોતિંગ ઓર્ડર માટે રાફેલને પસંદ કરવા પાછળ 'ઓપરેશન સિંદૂર'માં તેનું શાનદાર પ્રદર્શન મુખ્ય કારણ રહ્યું છે. આ મિશન દરમિયાન રાફેલની ક્ષમતા જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન પણ ફફડી ઉઠ્યું હતું. આ ઉપરાંત, ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ ૩૬ રાફેલનો કાફલો છે અને નૌકાદળે પણ ૩૬ રાફેલ મરીનનો ઓર્ડર આપ્યો છે, જેના કારણે તેના મેન્ટેનન્સ અને તાલીમમાં સરળતા રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોફાઇટર ટાયફૂન જેવા વિમાનો જે કિંમતે જર્મની કે ઇટાલીને પડ્યા છે, તેના કરતા ભારતને રાફેલ સસ્તું પડશે. આ સોદાની અંદાજિત કિંમત ૩૫.૮૪ અબજ ડોલર હોઈ શકે છે. હવે આ પ્રસ્તાવ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી DAC અને ત્યારબાદ પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS) પાસે અંતિમ મંજૂરી માટે જશે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની મુલાકાત દરમિયાન આ ઐતિહાસિક સોદા પર અંતિમ મહોર લાગી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
