હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છત્તીસગઢના જંગલોમાં સુરક્ષા દળોનો 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો પ્રહાર: બીજાપુરમાં ભીષણ અથડામણ બાદ ૪ માઓવાદીઓના ખાતમાથી નક્સલીઓમાં ફફડાટ!
DRG, કોબ્રા અને STFની સંયુક્ત ટીમે પહાડી વિસ્તારોને ઘેરી લેતા સામસામે ગોળીબાર, માર્યા ગયેલાઓમાં એક મહિલા માઓવાદી પણ સામેલ - AK-47 સહિત ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદ વિરુદ્ધ લડાઈમાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. પહાડી અને ગાઢ જંગલ વિસ્તારમાં ચાલેલા કલાકોના ઓપરેશનમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ચાર કટ્ટર માઓવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીઓમાં એક મહિલા માઓવાદીનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી સુરક્ષા દળોએ અત્યંત આધુનિક AK-47 રાઈફલ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે, જે દર્શાવે છે કે નક્સલીઓ કોઈ મોટા હુમલાની પેરવીમાં હતા.
ચોક્કસ બાતમી અને ઘેરાબંધી
બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ. જીતેન્દ્ર યાદવે માહિતી આપી હતી કે જિલ્લાના ઉત્તર-પશ્ચિમ પહાડી વિસ્તારોમાં માઓવાદીઓની મોટી હિલચાલ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), કોબ્રા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની એક સંયુક્ત ટીમ બનાવીને ઓપરેશન 'સર્ચ એન્ડ ડિસ્ટ્રોય' શરૂ કરવામાં આવ્યું હતું. શનિવારે વહેલી સવારથી જ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.
રક્તરંજિત જંગ: સર્ચ ઓપરેશન હજુ પણ જારી
સવારના સમયે થયેલી અથડામણમાં પહેલા બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, સુરક્ષા દળોએ પીછેહઠ કરવાને બદલે જંગલમાં ઊંડે સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. બપોર સુધીમાં વધુ બે માઓવાદીઓ ઠાર થયા હોવાની પુષ્ટિ થઈ હતી. સુરક્ષા દળોએ નક્સલીઓના છુપાયેલા ઠેકાણાઓ તોડી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક નક્સલીઓ જંગલની ખીણોમાં છુપાયેલા હોવાની આશંકા છે, જેના કારણે ઓપરેશન હજુ પણ કાર્યરત છે.
નક્સલ મુક્ત અભિયાનને વેગ
આ સફળતાથી લાલ આતંકના ગઢ ગણાતા બીજાપુરમાં માઓવાદીઓની કમર તૂટી ગઈ છે. જપ્ત કરાયેલા હથિયારો અને માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રીય સુરક્ષા દળોના સમન્વયથી ચાલી રહેલા આ અભિયાનને કારણે નક્સલીઓ હવે બેકફૂટ પર આવી ગયા છે. સમગ્ર વિસ્તારમાં અત્યારે હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
