<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રેતીના રણનો 'બેતાજ બાદશાહ' અને શાર્પ શૂટર: નાસેર અલ અત્તિયાહ FIA ડાકાર રેલીમાં ૬ઠ્ઠી વાર વિશ્વ વિજેતા; સ્ટીફન પીટરહેન્સેલના મહાન રેકોર્ડની કરી બરાબરી!

વ્હીલ પાછળ જેટલી જ પકડ બંદૂકની નાળ પર પણ છે, ઓલિમ્પિકમાં જીત્યો છે મેડલ; સાઉદીના ભયાનક રણમાં ડેસિયા સેન્ડ્રાઇડર્સ સાથે રચ્યો ઇતિહાસ - જાણો કતારના 'સચિન તેંડુલકર'ની અદભૂત સફર

રિયાધ : સાઉદી અરેબિયાના અત્યંત જોખમી અને પથરાળ રણમાં શનિવારે ફરી એકવાર કતારના સુપરસ્ટાર ડ્રાઈવર નાસેર સાલેહ અલ અત્તિયાહનો દબદબો જોવા મળ્યો હતો. ૫૫ વર્ષીય અત્તિયાહે પોતાની કારકિર્દીનો ૬ઠ્ઠો 'ડાકાર રેલી' ટાઇટલ જીતીને સાબિત કરી દીધું છે કે ઓફ-રોડ રેસિંગમાં તેના જેવું બીજું કોઈ નથી. આ જીત સાથે તેણે મોન્સિયર ડાકાર તરીકે ઓળખાતા સ્ટીફન પીટરહેન્સેલના ૫૦ સ્ટેજ જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

૪ અલગ-અલગ વાહનોમાં વિશ્વ વિજેતા

અલ અત્તિયાહની ખાસિયત એ છે કે તેણે ૨૦૦૪માં મિત્સુબિશીથી શરૂઆત કર્યા બાદ અલગ-અલગ કંપનીના વાહનો સાથે વિજય મેળવ્યો છે. ૨૦૧૧માં ફોક્સવેગન, ૨૦૧૫માં મિની, ૨૦૧૯-૨૦૨૩ દરમિયાન ટોયોટા અને હવે ૨૦૨૬માં ડેસિયા સેન્ડ્રાઇડર્સ સાથે ચેમ્પિયન બની તેણે દુનિયાને ચોંકાવી દીધી છે. રેસ પૂરી કર્યા બાદ ઉત્સાહિત અલ અત્તિયાહે કહ્યું, "આ મારી છઠ્ઠી જીત છે, પરંતુ મારે હજુ પીટરહેન્સેલનો સર્વોચ્ચ રેકોર્ડ તોડવાનો બાકી છે."

વર્સેટાઈલ પ્રતિભા: શૂટિંગમાં ઓલિમ્પિક મેડલિસ્ટ

નાસેર અલ અત્તિયાહ માત્ર રસ્તાઓ પર જ ઝડપી નથી, પણ મેદાન પર લક્ષ્ય સાધવામાં પણ માહિર છે. ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેણે સ્કીટ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ઓલિમ્પિક ક્વોટા મેળવવા માટે તેણે તે સમયે ડાકાર રેલીમાંથી જાણી જોઈને નામ પાછું ખેંચ્યું હતું અને ૧૫૦/૧૫૦નો પરફેક્ટ સ્કોર બનાવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ગુઆંગઝુ એશિયન ગેમ્સમાં પણ કોઈ પ્રેક્ટિસ વિના પહોંચીને તેણે ગોલ્ડ મેડલ જીતી બતાવ્યો હતો.

કતારનો 'સચિન તેંડુલકર'

રેસિંગની દુનિયામાં તેને કતારના સચિન તેંડુલકર તરીકે સંબોધવામાં આવે છે. તેના વિનમ્ર સ્વભાવના કારણે તે પત્રકારો અને ચાહકોમાં પણ એટલો જ લોકપ્રિય છે. બે બાળકોના પિતા નાસેરને ઘોડેસવારી, તીરંદાજી અને પાવરબોટિંગનો પણ એટલો જ શોખ છે. કતારના શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં પણ આ મહાન ખેલાડી વિશે એક પ્રકરણ ભણાવવામાં આવે છે. આજે તેની આ છઠ્ઠી જીત બાદ આખું કતાર ઉજવણીમાં ડૂબ્યું છે.

(11:36 PM IST)