બિહારમાં ગરીબોની દિવાળી: નીતિશ સરકાર દરેક જરૂરિયાતમંદ પરિવારને આપશે ₹૨ લાખની આર્થિક મદદ; રોજગાર માટે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત!
મોતિહારીની 'સમૃદ્ધિ યાત્રા'માં મુખ્યમંત્રીએ ખોલ્યો સરકારી તિજોરીનો પિટારો - ૯૪ લાખ પરિવારોને મળશે સીધો લાભ; રક્સૌલ એરપોર્ટ અને સુગર મિલ શરૂ કરવાના નિર્ણયથી વિકાસને મળશે નવી પાંખો

મોતિહારી: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે. મોતિહારીના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત 'સમૃદ્ધિ યાત્રા' દરમિયાન મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં ઓળખાયેલા ૯૪ લાખ ગરીબ પરિવારોને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા માટે સરકાર ₹૨ લાખની નાણાકીય સહાય પૂરી પાડશે. નીતિશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો આ સહાયની રકમ ભવિષ્યમાં ૨ લાખથી પણ વધારવામાં આવશે.
વિકાસના કામોની વણઝાર: ₹૧૬૨ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
મુખ્યમંત્રીએ સમૃદ્ધિ યાત્રાના બીજા દિવસે પૂર્વ ચંપારણ જિલ્લાને મોટી ભેટ આપી હતી. તેમણે ₹૧૩૮ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું અને ₹૨૪ કરોડના નવા કામોનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગણી સંતોષતા જાહેરાત કરી કે, બંધ પડેલી બારા સુગર મિલ ફરી શરૂ કરવામાં આવશે. ઉપરાંત, રક્સૌલ એરપોર્ટના નવીનીકરણ માટે આ જ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવશે, જેનાથી નેપાળ સરહદ નજીકના આ વિસ્તારમાં પરિવહન અને વેપારની નવી તકો ઉભી થશે.
૫ કલાકમાં પટના: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થમાં ક્રાંતિ
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ બિહારમાં આવેલા પરિવર્તનનો ચિતાર આપતા કહ્યું કે, અગાઉ રાજ્યના છેવાડાના વિસ્તારોમાંથી પટના પહોંચતા દિવસો નીકળી જતા હતા, જે અંતર હવે રસ્તા અને પુલોના નેટવર્કને કારણે માત્ર ૫ કલાકમાં કાપી શકાય છે. આરોગ્ય ક્ષેત્રે પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મહિને માંડ ૩૯ દર્દીઓ આવતા હતા, ત્યાં હવે સરેરાશ ૧૧,૬૦૦ દર્દીઓ મફત સારવાર અને દવાનો લાભ લઈ રહ્યા છે.
મહિલા સશક્તિકરણમાં બિહાર દેશમાં મોખરે
નીતિશ કુમારે ગર્વ સાથે જણાવ્યું હતું કે મહિલાઓને અનામત આપવામાં બિહાર મોખરે છે. પંચાયતી રાજમાં ૫૦ ટકા અને પોલીસ ભરતીમાં ૩૫ ટકા અનામતને કારણે આજે બિહાર પોલીસમાં દેશમાં સૌથી વધુ મહિલાઓ ફરજ બજાવી રહી છે. તેમણે કેન્દ્ર સરકારના સમર્થનનો આભાર માનતા કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં બિહાર દેશના ટોચના રાજ્યોમાં સામેલ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
