News of Sunday, 18th January 2026
દિલ્હીથી પટના જતી તેજસ રાજધાની એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અલીગઢ સ્ટેશન પર હાઈ એલર્ટ, ૩૧ મિનિટના સઘન ચેકિંગ બાદ ટ્રેન રવાના
સુરક્ષા ટીમોએ ટ્રેનના દરેક કોચ, મુસાફરોનો સામાન અને એન્જિન રૂમ સહિતના તમામ ભાગોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશન લગભગ ૩૧ મિનિટ સુધી ચાલ્યું હતું

દિલ્હીથી પટના જઈ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ હોવાની બાતમી મળતા અલીગઢ રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ટ્રેનને અટકાવીને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી આખી ટ્રેનનું બારીકાઈથી ચેકિંગ કર્યું હતું. જોકે, તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આ ધમકી અફવા સાબિત થઈ હતી અને ૩૧ મિનિટ બાદ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
શનિવારે મોડી રાત્રે દિલ્હી કંટ્રોલ રૂમ તરફથી સુરક્ષા એજન્સીઓને એક ગંભીર ચેતવણી મળી હતી કે દિલ્હીથી પટના તરફ જઈ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ સમાચાર મળતાની સાથે જ રેલવે તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેન જ્યારે અલીગઢ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને સ્ટેશન પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
અચાનક ટ્રેન રોકાઈ જવાથી અને પોલીસ કાફલો જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના જવાનોએ સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે અલીગઢ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ), ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા ટીમોએ ટ્રેનના દરેક કોચ, મુસાફરોનો સામાન અને એન્જિન રૂમ સહિતના તમામ ભાગોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશન લગભગ ૩૧ મિનિટ સુધી ચાલ્યું હતું.
અલીગઢ આરપીએફના કમાન્ડિંગ ઓફિસર ગુલઝાર સિંહે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, દિલ્હી કંટ્રોલ તરફથી મળેલી સૂચના બાદ તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે સઘન તપાસ કરી હતી. સદનસીબે, તપાસ દરમિયાન ટ્રેનમાંથી કોઈ પણ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. સંપૂર્ણ ખાતરી થયા બાદ આ ધમકી માત્ર એક અફવા હોવાનું સ્પષ્ટ થયું હતું.
સુરક્ષા ક્લિયરન્સ મળ્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન પટના તરફ રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે રેલવે પોલીસે અજાણ્યા કોલર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને ખોટી અફવા ફેલાવનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
