<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ગ્રીનલેન્ડ મુદ્દે મહાયુદ્ધના મંડાણ: ટ્રમ્પની 'ટેરિફ ધમકી' સામે યુરોપિયન દેશોએ આરપારની લડાઈના વગાડ્યા શિંગડા

અમેરિકાના રાષ્ટ્રપતિની 'માલિક' બનવાની જીદ સામે આઠ શક્તિશાળી દેશોએ બાંયો ચઢાવી; ફેબ્રુઆરીથી ૧૦% અને જૂનથી ૨૫% ટેરિફ ઝીંકવાના આદેશથી વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ, ફ્રાંસ-બ્રિટન અને સ્વીડને કહ્યું- 'અમે ધમકીઓથી ડરતા નથી, સાર્વભૌમત્વ માટે લડી લઈશું'

વોશિંગ્ટન/બ્રસેલ્સ:વિશ્વ અત્યારે વધુ એક પ્રચંડ ટ્રેડ-વોર અને રાજદ્વારી ટકરાવના આરે આવીને ઉભું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની પોતાની આક્રમક જીદ પૂરી કરવા માટે હવે 'ટેરિફ'ને હથિયાર બનાવ્યું છે. ટ્રમ્પે શનિવારે એક સનસનાટીભર્યા આદેશમાં જાહેરાત કરી છે કે ૧લી ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશોના સામાન પર ૧૦% વધારાનો ટેરિફ લાદવામાં આવશે, કારણ કે તેઓ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પનું વલણ હવે માત્ર સંધિ પૂરતું મર્યાદિત નથી, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ગ્રીનલેન્ડના 'માલિક' બનવા માંગે છે. આ જાહેરાત બાદ અમેરિકા અને યુરોપ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ પડી છે.

ટ્રમ્પની આ ધમકીના લપેટામાં ડેન્માર્ક, નૉર્વે, સ્વીડન, ફ્રાંસ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડ જેવા દેશો આવ્યા છે. આ એ જ દેશો છે જે અત્યારે ગ્રીનલેન્ડમાં ડેન્માર્ક સાથે સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં ડરામણી ચેતવણી આપી છે કે જો જૂન મહિના સુધીમાં ગ્રીનલેન્ડની ખરીદીની ડીલ ફાઈનલ નહીં થાય, તો આ ટેરિફ વધારીને ૨૫% કરી દેવામાં આવશે. આ પ્રકારના આર્થિક દબાણ સામે યુરોપિયન યુનિયન (EU) એ પણ કડક વલણ અપનાવ્યું છે. EU ના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને સ્પષ્ટ કર્યું છે કે યુરોપ પોતાનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે કોઈની પણ ધમકીઓ સામે ઝૂકશે નહીં.

ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે, ફ્રાંસ કોઈના દબાણમાં કામ કરશે નહીં. મેક્રોને ગ્રીનલેન્ડના મુદ્દાને યુક્રેનના મામલા સાથે સરખાવતા જણાવ્યું કે, આર્ક્ટિક ક્ષેત્ર અને યુરોપની સરહદોની સુરક્ષા દાવ પર છે અને ફ્રાંસ કોઈની બ્લેકમેલિંગ સહન નહીં કરે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે પણ સૂર પુરાવતા કહ્યું કે, ગ્રીનલેન્ડ ડેન્માર્કનો અભિન્ન હિસ્સો છે અને તેનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકોનો જ છે. નાટોના સહયોગી દેશો પર જ આર્થિક બોજ નાખવાનો નિર્ણય અતાર્કિક અને અસ્વીકાર્ય છે, જેની સામે યુકે સરકાર અમેરિકામાં રજૂઆત કરશે.

સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને આ લડાઈને સમગ્ર યુરોપની લડાઈ ગણાવી છે. તેમણે ચેતવણી આપી છે કે યુરોપના તમામ દેશો એક થઈને આ 'આર્થિક હુમલા'નો સંયુક્ત રીતે જવાબ આપશે. નોંધનીય છે કે ગ્રીનલેન્ડનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને ૧૯૭૯ થી તેની પાસે પોતાની અલગ સંસદ અને સ્વાયત્તતા છે. ૨૦૦૯ થી તેને પોતાની કુદરતી સંપત્તિ પર વધુ સત્તા મળી છે. આમ, ટ્રમ્પની ગ્રીનલેન્ડને ખરીદવાની આધુનિક સામ્રાજ્યવાદી વિચારધારાએ વિશ્વના લોકશાહી દેશોમાં આક્રોશ ફેલાવ્યો છે. જો ફેબ્રુઆરીમાં આ ટેરિફ લાગુ થશે, તો તેની અસર વૈશ્વિક સપ્લાય ચેઈન અને સામાન્ય જનતાના ખિસ્સા પર સીધી રીતે પડશે.

(11:57 AM IST)