News of Sunday, 18th January 2026
બાંગ્લાદેશમાં હિંદુની હત્યાઃ માથામાં પાવડાના ઘા ઝીંક્યા
દુકાનદાર લીટન ચંદ્રઘોષ પોતાના કર્મચારી અનંતદાસને સ્થાનીક માસુમ મિયાં સાથે ઝઘડો થતા વચ્ચે પડેલ

ઢાંકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અટકવાનું નામ લઈ રહી નથી. ફરી વાર એવો જ હત્યાનો બન્યો છે. ગાઝીપુર જિલ્લામાં એક હિન્દુ દુકાનદારની અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે. 55 વર્ષીય લિટન ચંદ્ર ઘોષ બારાનગર રોડ પર 'બૈશાખી સ્વીટમીટ એન્ડ હોટેલ' નામની મીઠાઈની દુકાન ચલાવતા હતા. તેઓ પોતાના કર્મચારીને બચાવવા વચ્ચે પડ્યા જેમાં તેમનું મોત થઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે અંદાજે 11 વાગ્યે દુકાનના 17 વર્ષીય કર્મચારી અનંત દાસ અને સ્થાનિક યુવક માસૂમ મિયાં વચ્ચે નાની બાબતે ઝઘડો થયો હતો. વાતચીતમાંથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં શારીરિક ઝઘડામાં ફેરવાઈ ગયો. થોડી જ વારમાં માસૂમના માતા-પિતા મોહમ્મદ સ્વપન મિયાં અને માજેદા ખાતુન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઝઘડો વધારે થયો હતો.
પરિસ્થિતિ બગડતી જોઈ લિટન ઘોષે પોતાના કર્મચારીને બચાવવા અને ભીડને શાંત કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર જ હુમલો કર્યો. લિટન ઘોષના માથા પર પાવડા વડે ઘાતક પ્રહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા હતા. પોલીસે જણાવ્યું કે તમામ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના પછી સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ પેટ્રોલ પંપ પર કામ કરતા હિન્દુ કર્મચારીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવોએ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
