News of Sunday, 18th January 2026
મધદરિયે વિમાન અને શ્વાસ અધ્ધર: ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાં 'બોમ્બ'ના મેસેજથી લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી ધમકી મળતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા; ૨૩૮ મુસાફરો સાથે વિમાનને રન-વે પરથી સીધું આઇસોલેશન બેમાં ખસેડાયું, લખનૌ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો

લખનૌ:આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં રવિવારે અચાનક મોતનો ફફડાટ વ્યાપી ગયો હતો. દિલ્હીથી સિલિગુડી (બાગડોગરા) જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E 6650 માં બોમ્બ હોવાની ધમકી મળતા જ વિમાનમાં અફરાતફરી મચી ગઈ હતી. ફ્લાઇટ તેના નિર્ધારિત રૂટ પર હતી ત્યારે અચાનક વિમાનના ટોઇલેટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર 'બોમ્બ' હોવાનો ભયાનક સંદેશ લખાયેલો હતો. આ વાતની જાણ થતા જ કેબિન ક્રૂના હોશ ઉડી ગયા હતા અને પાઇલટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે સિગ્નલ મોકલી દીધા હતા.
લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને વિમાન લેન્ડ થતાની સાથે જ તેને મુખ્ય રન-વેથી દૂર આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. એસીપી રજનીશ વર્માએ ઘટનાની ગંભીરતા જણાવતા કહ્યું કે, વિમાનમાં ૨૩૮ મુસાફરો સહિત પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેવો વિમાનના ટોઇલેટમાં ટીશ્યુ પેપર પર લખેલો સંદેશ મળ્યો, પ્રોટોકોલ મુજબ તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ખડેપગે કરી દેવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારીને તેમના સામાનની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા આખું વિમાન ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને એરપોર્ટના લાઉન્જમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટીશ્યુ પેપર પર સંદેશ કોણે લખ્યો અને તેનો હેતુ શું હતો. શું આ માત્ર કોઈની ખોટી મજાક હતી કે પછી કોઈ મોટું કાવતરું, તે જાણવા માટે મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ અને ટોઇલેટમાં ગયેલા મુસાફરોની યાદી તપાસીને શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ તેજ કરવામાં આવી છે.
તાજેતરના સમયમાં વિમાનોમાં બોમ્બની ખોટી ધમકીઓના કિસ્સાઓ વધ્યા છે, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ ધમકીને હળવાશથી લેવામાં આવતી નથી. લખનૌ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ અને ક્લિયરન્સ મળ્યા બાદ જ વિમાનને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવશે. આ ઘટનાને કારણે અન્ય ફ્લાઇટના શિડ્યુલ પર પણ થોડી અસર પડી હતી. મુસાફરોના પરિવારો પણ સમાચાર મળતા જ ચિંતામાં મુકાયા હતા, જોકે તમામ મુસાફરો સહીસલામત હોવાના અહેવાલથી સૌએ હાશકારો અનુભવ્યો છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
