News of Sunday, 18th January 2026
રાત્રિના અંધકારમાં લાલ રંગે રંગાયું ડેનમાર્ક: હોરર ફિલ્મ જેવો નજારો કોઈ આફત નહીં, પણ જીવ બચાવવાનો છે 'માસ્ટર પ્લાન'
સફેદ અને પીળી લાઈટોને બદલે રસ્તાઓ પર કેમ છવાયો લોહી જેવો લાલ રંગ? પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે ડેનમાર્કનો વિશ્વને નવો રાહ ચીંધતો અનોખો પ્રયોગ; ચામાચીડિયાના અસ્તિત્વને બચાવવા ટેકનોલોજી અને કુદરત વચ્ચે સાધવામાં આવ્યું અદભૂત સંતુલન

કોપનહેગન: કલ્પના કરો કે તમે રાત્રે કોઈ શાંત રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને અચાનક આખું વાતાવરણ લોહી જેવા ઘેરા લાલ રંગમાં ફેરવાઈ જાય! પ્રથમ નજરે આ કોઈ હોરર ફિલ્મનું દ્રશ્ય લાગે, પરંતુ ડેનમાર્કની રાજધાની કોપનહેગન નજીકના ગ્લેડસેક્સ વિસ્તારમાં આ વાસ્તવિકતા છે. ડેનમાર્ક સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈને પરંપરાગત સફેદ અને પીળી સ્ટ્રીટલાઈટોને હટાવીને તેના સ્થાને લાલ રંગની લાઈટો લગાવી દીધી છે. આ નિર્ણય પાછળનો હેતુ લોકોને ડરાવવાનો નથી, પરંતુ પ્રકૃતિના અબોલ જીવોને બચાવવાનો છે. આ "લાલ ક્રાંતિ" અત્યારે સમગ્ર વિશ્વના પર્યાવરણવાદીઓ અને વિજ્ઞાનીઓ માટે ચર્ચાનો વિષય બની છે.
આ અનોખા પ્રયોગ પાછળનું મુખ્ય કારણ 'ચામાચીડિયા' (Bats) નું રક્ષણ છે. ગ્લેડસેક્સ મ્યુનિસિપાલિટીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ચામાચીડિયાઓની મોટી વસ્તી છે, જે રાત્રિના સમયે સક્રિય હોય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે શહેરોની તેજસ્વી સફેદ, વાદળી કે લીલી લાઈટો ચામાચીડિયા માટે ઘાતક સાબિત થાય છે. આ લાઈટોને કારણે તેમને શિકાર કરવામાં, ઉડવામાં અને દિશા નક્કી કરવામાં ભારે મુશ્કેલી પડે છે. નેધરલેન્ડ્સમાં થયેલા એક અભ્યાસ મુજબ, લાલ પ્રકાશ ચામાચીડિયાની કુદરતી પ્રવૃત્તિઓમાં સૌથી ઓછી દખલગીરી કરે છે. આથી, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર રસ્તાઓ પર અજવાળું રાખવા માટે લાલ રંગ શ્રેષ્ઠ સાબિત થયો છે.
જોકે, આ ફેરફારમાં માનવીય સલામતી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. ગ્લેડસેક્સના રોડ એન્જિનિયર જોનાસ જોર્ગેનસેને જણાવ્યું હતું કે, સમગ્ર રસ્તાને અંધારામાં રાખવો સુરક્ષાની દ્રષ્ટિએ અશક્ય હતો, તેથી જ આ મધ્યમ માર્ગ શોધાયો છે. ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારો, ચાર રસ્તાઓ અને રાહદારીઓ માટેના ક્રોસિંગ પર હજુ પણ સ્પષ્ટ દ્રશ્યતા મળે તે માટે ઊંચા થાંભલાઓ પર સફેદ લાઈટો ચાલુ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ છે કે વિકાસ અને વન્યજીવનનું સંરક્ષણ એકસાથે શક્ય છે. લાલ લાઈટો લોકોને એવો સંદેશ પણ આપે છે કે આ વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ છે.
લાઇટિંગ ડિઝાઇનર ફિલિપ જેલ્વર્ડના મતે, આ પ્રોજેક્ટ લોકો અને પ્રાણીઓ બંને માટે પરસ્પર ગોઠવણનો એક પ્રાયોગિક ગાળો છે. હાલમાં આ પ્રયોગ માત્ર મર્યાદિત રસ્તાઓ પર જ કરવામાં આવ્યો છે અને તેની સફળતાના આધારે તેને અન્ય વિસ્તારોમાં લંબાવવા અંગે વિચારણા કરવામાં આવશે. વિશ્વભરના શહેરી આયોજકો હવે ડેનમાર્કના આ મોડેલ પર નજર રાખી રહ્યા છે, કારણ કે 'લાઇટ પોલ્યુશન' (પ્રકાશ પ્રદૂષણ) આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ડેનમાર્કનો આ નાનકડો 'લાલ' ફેરફાર ભવિષ્યમાં શહેરી ડિઝાઇનમાં પર્યાવરણને પ્રાથમિકતા આપવાની નવી દિશા ખોલી શકે છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
