<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

મુંબઈના મેયર પદ માટે 'ગ્રાન્ડ હોટલ' ડ્રામા: શિંદેના ૨૯ કાઉન્સિલરોની ગુપ્ત બેઠક પર ફડણવીસે તોડ્યું મૌન

"પક્ષપલટાની વાતમાં કોઈ દમ નથી, મેયર તો મહાયુતિનો જ બનશે" - દેવેન્દ્ર ફડણવીસે અટકળો પર ફેરવ્યું પાણી; અઢી વર્ષના મેયર પદની માંગ અને શક્તિશાળી સમિતિઓના હિસ્સા માટે ખેંચતાણ વચ્ચે ભાજપ-શિંદે ગઠબંધનમાં ઓલ ઈઝ વેલનો દાવો, વર્કશોપ કે બંધક? રાજકારણ ગરમાયું

મુંબઈ/નવી દિલ્હી: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની સત્તાના સિંહાસન પર કોણ બિરાજશે તેને લઈને મુંબઈના રાજકારણમાં ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. શિવસેના (શિંદે જૂથ) ના ૨૯ નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની એક આલીશાન ૫-સ્ટાર હોટલમાં રાખવામાં આવતા 'રિઝોર્ટ પોલિટિક્સ' અને પક્ષપલટાની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે, આ ગરમાગરમી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાનું મૌન તોડ્યું છે. ફડણવીસે તમામ અટકળોને પાયાવિહોણી ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે, મુંબઈના આગામી મેયર મહાયુતિ (ભાજપ-શિંદે-અજિત પવાર ગઠબંધન) માંથી જ સર્વસંમતિથી ચૂંટાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગઠબંધનમાં કોઈ તિરાડ નથી અને બધું જ આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે.

શિંદેની હોટલ મુલાકાત અંગે બચાવ કરતા ફડણવીસે કહ્યું કે, જેમ તેઓ પોતે પુણેમાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી રહ્યા છે, તેવી જ રીતે એકનાથ શિંદે પણ તેમના પક્ષના કાઉન્સિલરો સાથે ચર્ચા કરી રહ્યા છે. શિંદેએ પોતાના સભ્યોને માર્ગદર્શન આપવા માટે બોલાવ્યા હોઈ શકે, તેમાં પક્ષપલટો જેવો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. ફડણવીસે વધુમાં ઉમેર્યું કે તેઓ અને શિંદે ટૂંક સમયમાં અન્ય નેતાઓ સાથે મળીને મેયર પદના ઉમેદવાર અને તેમના કાર્યકાળની મુદત અંગે અંતિમ નિર્ણય લેશે. આ નિવેદન દ્વારા ફડણવીસે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાની વહેંચણીને લઈને કોઈ મનભેદ નથી.

નોંધનીય છે કે, ૨૨૭ બેઠકોવાળી BMC માં મહાયુતિએ ૧૧૯ બેઠકો સાથે બહુમતી મેળવી છે, જેમાં ભાજપના ૮૯ અને શિવસેનાના ૨૯ સભ્યો છે. જોકે, ભાજપને પોતાનો મેયર બનાવવા માટે શિંદે જૂથના સમર્થનની અનિવાર્યતા છે. આ જ કારણ છે કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શિંદે જૂથ ભાજપ સામે અઢી વર્ષ માટે મેયર પદ અને પાલિકાની મહત્વની સ્થાયી સમિતિઓમાં મોટો હિસ્સો માંગવા માટે સોદાબાજી કરી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, શિવસેનાના કેટલાક આંતરિક નેતાઓ આ શક્તિશાળી પદો માટે આગ્રહ રાખી રહ્યા છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

બીજી તરફ, શિવસેનાએ આ તમામ સોદાબાજીના દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે. પાર્ટીનું કહેવું છે કે હોટલમાં કોઈને બંધક બનાવવામાં આવ્યા નથી, પરંતુ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો માટે ત્રણ દિવસની ખાસ 'વર્કશોપ' રાખવામાં આવી છે જેથી તેમને પાલિકાના વહીવટ અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે સમજાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે આગામી બેઠકમાં ફડણવીસ અને શિંદે કયા ફોર્મ્યુલા પર સહમત થાય છે. શું ભાજપ મેયર પદ પોતાની પાસે રાખશે કે પછી શિંદેની માંગણીઓ સામે ઝૂકવું પડશે? મુંબઈની જનતા અત્યારે આ હાઈ-પ્રોફાઈલ રાજકીય સોગઠાબાજી પર મીટ માંડીને બેઠી છે.

(1:46 PM IST)