<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

તમારા ખિસ્સાનો નવો ચોકીદાર: BHIM એપનું 'ડિજિટલ એકાઉન્ટન્ટ' ફીચર રોકશે UPI ખર્ચની ઉચાપત, જાણો કેવી રીતે બચશે પૈસા

વારંવાર પિન નાખીને ખાલી થતા બેંક એકાઉન્ટ પર હવે લાગશે બ્રેક; ભીમ એપના 'સ્પેન્ડ એનાલિટિક્સ' દ્વારા ખર્ચનું લાઈવ પોસ્ટમોર્ટમ અને બજેટ સેટિંગની સુવિધા, ગૂગલ પે અને ફોનપેના યુગમાં સરકારી એપનો આ માસ્ટરસ્ટ્રોક તમને દેવાદાર થતા બચાવશે

રાજકોટ/નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં ચાની લારી હોય કે આલીશાન મોલ, દરેક જગ્યાએ QR કોડ સ્કેન કરીને પિન નાખવો એ રમત વાત બની ગઈ છે. પરંતુ આ સરળતા જ આપણી સૌથી મોટી દુશ્મન સાબિત થઈ રહી છે. જ્યારે આપણે રોકડ વાપરતા હતા ત્યારે પાકીટમાં ઓછી થતી નોટો જોઈને આપણને ખર્ચનો અહેસાસ થતો હતો, પરંતુ ડિજિટલ પેમેન્ટમાં પૈસા ક્યારે હાથમાંથી સરકી જાય છે તેની ખબર પણ નથી પડતી. મહિનાના અંતે જ્યારે બેંક સ્ટેટમેન્ટ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે હજારો રૂપિયા ક્યાં ગાયબ થઈ ગયા. આ અદ્રશ્ય ખર્ચની સમસ્યાનો ઈલાજ હવે સરકાર સંચાલિત 'ભીમ' (BHIM) એપ લઈને આવી છે, જે તમારા ખિસ્સાના પર્સનલ એકાઉન્ટન્ટ તરીકે કામ કરશે.

ભીમ એપમાં ઉમેરવામાં આવેલું 'સ્પેન્ડ એનાલિટિક્સ' ફીચર એક એવું જાદુઈ હથિયાર છે જે તમારા દરેક વ્યવહારનું વર્ગીકરણ કરે છે. તમે એપ ખોલતાની સાથે જ હોમ પેજ પર જોઈ શકશો કે તમે આખા મહિનામાં ખાવા-પીવા પાછળ, કપડાં પાછળ કે બિનજરૂરી મોજશોખ પાછળ કેટલા પૈસા ઉડાવ્યા છે. આ સુવિધા એટલી બુદ્ધિશાળી છે કે તે તમારા ખર્ચનો આલેખ (Graph) બતાવે છે. જ્યારે તમે નજરે જોશો કે તમારી કમાણીનો મોટો હિસ્સો માત્ર શોખ ખાતર વપરાય છે, ત્યારે પિન દાખલ કરતા પહેલા તમારો હાથ આપોઆપ અટકી જશે. આ ડેટા તમને ભવિષ્યના નાણાકીય આયોજનમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

આ એપની સૌથી ક્રાંતિકારી વિશેષતા છે 'બજેટ સેટિંગ'. આપણામાંથી મોટાભાગના લોકો મહિનાની શરૂઆતમાં નક્કી તો કરે છે કે આ વખતે ₹૫,૦૦૦થી વધુ ખર્ચ નથી કરવો, પણ શોપિંગ વખતે આ વાત મગજમાંથી નીકળી જાય છે. ભીમ એપમાં તમે તમારી મર્યાદા સેટ કરી શકો છો. જેવો તમારો ખર્ચ નિર્ધારિત મર્યાદાની નજીક પહોંચશે, એપ તમને તાત્કાલિક એલર્ટ આપશે. આ ફીચર ખાસ કરીને એવા યુવાનો માટે આશીર્વાદરૂપ છે જેઓ 'ઈમ્પલ્સ બાયિંગ' એટલે કે જોયા વગર ખરીદી કરવાની આદત ધરાવે છે. આ એપ તમને માત્ર પેમેન્ટ કરવાની સુવિધા નથી આપતી, પણ પૈસા બચાવવાની શિસ્ત પણ શીખવે છે.

ગૂગલ પે (Google Pay) અને ફોનપે (PhonePe) જેવી ખાનગી એપ્સના ઝાકઝમાળમાં લોકો સરકારી ભીમ એપને ભૂલી ગયા હતા, પરંતુ આ નવા સુરક્ષા અને એનાલિટિક્સ ફીચર્સ સાથે તેણે ફરીથી એન્ટ્રી કરી છે. ખાનગી એપ્સ તમારા ડેટાનો ઉપયોગ જાહેરાતો બતાવવા કરી શકે છે, જ્યારે ભીમ એપ એનપીસીઆઈ (NPCI) દ્વારા સંચાલિત હોવાથી વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર છે. જો તમે પણ મહિનાના અંતે ખાલી થઈ જતા બેંક એકાઉન્ટથી પરેશાન હોવ, તો ભીમ એપને ડાઉનલોડ કરવાનો આ યોગ્ય સમય છે. યાદ રાખજો, જે પૈસા તમે બચાવો છો તે તમારી બીજી કમાણી જ છે.

(1:58 PM IST)