News of Sunday, 18th January 2026
પંજાબમાં AAPને મોટો 'રાજકીય આંચકો': ધાર્મિક લાગણી દુભાતા કેબિનેટ મંત્રી કક્ષાના ધારાસભ્ય ડૉ. સુખવિંદર સુખીનું સનસનાટીભર્યું રાજીનામું
મુખ્યમંત્રી ભગવંત માનના વિવાદિત નિવેદન બાદ ભભૂકી ઉઠ્યો વિરોધ; શ્રી નભ કંવલ રાજા સાહિબ મંદિરના અપમાન મુદ્દે ડો. સુખીએ પદને ઠોકર મારી, અકાલી દળ છોડીને જોડાયાના ગણતરીના કલાકોમાં જ સરકાર સામે બગાવત કરતા પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો

ચંદીગઢ/બંગા:પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને આજે મોટો અને જોરદાર ઝટકો લાગ્યો છે. મુક્તસર માઘી મેળા દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને આપેલા એક ધાર્મિક નિવેદને હવે સરકાર સામે જ મોટું સંકટ ઉભું કરી દીધું છે. સીએમ માને દાવો કર્યો હતો કે મજરા નૌબાદ ગામના પવિત્ર શ્રી નભ કંવલ રાજા સાહિબ મંદિરમાંથી ગુરુ ગ્રંથ સાહિબ જીના કેટલાક ગુમ થયેલા પાના મળી આવ્યા છે. આ નિવેદનને મંદિરના સેવકો અને મંડળે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન મંદિર વિશે ખોટો પ્રચાર કરવા બદલ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેનું પરિણામ આજે ધારાસભ્યના રાજીનામા સ્વરૂપે જોવા મળ્યું છે.
આ ઘટનાક્રમમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિસ્તારના પ્રભાવશાળી ધારાસભ્ય ડૉ. સુખવિંદર સુખી, જેઓ તાજેતરમાં જ અકાલી દળ (બાદલ) છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, તેમણે બળવો પોકાર્યો. ડૉ. સુખીને 'આપ' દ્વારા કેબિનેટ કક્ષાનું પદ અને વિભાગના ચેરમેન તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, મુખ્યમંત્રીના નિવેદનથી ઊભા થયેલા વિવાદ બાદ ડૉ. સુખીએ મોડી રાત્રે મંદિરની મુલાકાત લીધી હતી અને પોતાની જ સરકારના વલણની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણથી ઉપર ઉઠીને આસ્થાના કેન્દ્રનું સન્માન જળવાવું જોઈએ, જે આ કિસ્સામાં દુભાયું છે.
આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ડૉ. સુખવિંદર સુખીએ પોતાનો આક્રોશ ઠાલવતા ચેરમેન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ભરી આંખે કહ્યું કે, "સરકારના આ પગલાથી વાતાવરણ ખરાબ થયું છે અને મને અંદરથી ખૂબ જ દુઃખ થયું છે." ડૉ. સુખીએ સ્પષ્ટ કર્યું કે જે પક્ષ કે સરકાર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેની સાથે રહેવું તેમને મંજૂર નથી. તેમના રાજીનામાના સમાચાર વાયુવેગે ફેલાતા આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે ડૉ. સુખી જેવા કદાવર નેતાનું જવું એ પક્ષ માટે પંજાબમાં મોટું નુકસાન છે.
હાલમાં પંજાબના બંગા વિસ્તારમાં અને સમગ્ર શિરોમણી અકાલી દળના ગઢમાં આ મુદ્દો જોર પકડી રહ્યો છે. વિરોધ પક્ષોએ પણ ભગવંત માન સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. ભક્તોનું કહેવું છે કે સરકાર સત્તાના નશામાં ધાર્મિક તથ્યો સાથે છેડછાડ કરી રહી છે. ડૉ. સુખવિંદર સુખીના રાજીનામા બાદ હવે પંજાબ કેબિનેટમાં પણ ફેરબદલની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પંજાબના રાજકારણમાં પક્ષ બદલવો સરળ છે, પણ ધાર્મિક આસ્થા સામે જવું કોઈ પણ નેતા માટે જોખમી સાબિત થઈ શકે છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
