<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

મુંબઈમાં 'મેયર પદ' માટે મહાભારત: શિંદેએ ૨૯ કોર્પોરેટરોને હોટલમાં કર્યા કેદ, સંજય રાઉત બોલ્યા- "ખેલ તો હમણાં શરૂ થયો છે!"

BMCની સત્તા માટે મહાયુતિમાં આંતરિક ખેંચતાણ? ઉદ્ધવ સેનાના કટાક્ષથી શિંદે છાવણીમાં ફફડાટ; "અમારા માણસો એ જ હોટલમાં લંચ લેવા જશે" - રાઉતના વિસ્ફોટક દાવાથી રાજકારણ ગરમાયું, ભાજપ અને શિંદે સેના વચ્ચે મેયર પદ માટે પડદા પાછળ ચાલી રહી છે કાવાદાવા

મુંબઈ:દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા BMCમાં મેયરની ખુરશી મેળવવા માટે મુંબઈના રાજકારણમાં ફરી એકવાર 'હોટેલ પોલિટિક્સ'નું જિન્ન બહાર આવ્યું છે. ભલે મહાયુતિએ બહુમતી મેળવી લીધી હોય, પરંતુ શિવસેનાના વડા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પોતાના ૨૯ કોર્પોરેટરો તૂટી જવાનો એટલો ડર છે કે તેમણે તમામ ૨૯ પાષદોને તાત્કાલિક પ્રભાવથી એક લક્ઝરી ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. આ ઘટનાક્રમ પર ઉદ્ધવ ઠાકરેના ખાસ ગણાતા સંજય રાઉતે મજાક ઉડાવતા કહ્યું છે કે, "રમત હજુ હમણાં જ શરૂ થઈ છે." રાઉતનો ઈશારો એ તરફ છે કે બહુમતી ગમે તેટલી મોટી હોય, પણ મુંબઈના રાજકારણમાં ગમે ત્યારે 'ઉલટફેર' થઈ શકે છે.

સંજય રાઉતે શિંદે સેના પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે નેતાઓ પહેલા ધારાસભ્યોને લઈને સુરત અને ગુવાહાટી ભાગ્યા હતા, તેમને આજે પોતાના જ કોર્પોરેટરો પર વિશ્વાસ નથી. રાઉતે કટાક્ષમાં જણાવ્યું કે, "અમારા શિવસૈનિકો તે જ ફાઈવ સ્ટાર હોટલમાં લંચ કરવા જઈ રહ્યા છે જ્યાં શિંદેના કોર્પોરેટરો રોકાયા છે, એટલે તેમણે અમારા પર શંકા ન કરવી જોઈએ." રાઉતનો દાવો છે કે શિંદે સેનાના ઘણા નવા કોર્પોરેટરો મૂળ તો શિવસૈનિકો જ છે અને તેઓ મુંબઈમાં ભાજપનો મેયર બને તે વાત સહન કરી શકે તેમ નથી. આ નિવેદને ભાજપ અને શિંદે જૂથ વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પાડવાનું કામ કર્યું છે.

બીજી તરફ, શિંદે જૂથના નેતા રાજુ વાઘમારેએ સંજય રાઉતના દાવાઓને ફગાવી દેતા તેમને 'જ્યોતિષી' ગણાવ્યા છે. વાઘમારેએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, મુંબઈને લાંબા સમયથી લૂંટતી એક 'ટોળકી' (UBT) અત્યારે અમારા લોકોને ફોડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી અમે અમારા કોર્પોરેટરોને સુરક્ષિત રાખવા માટે હોટલમાં રાખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ ડર નથી, પણ સાવચેતી છે જેથી કોઈ અમારા પાષદો પર દબાણ ન કરી શકે. વાઘમારેએ ઉદ્ધવ સેનાને સલાહ આપી કે તેમણે હાર સ્વીકારી લેવી જોઈએ કારણ કે મુંબઈની જનતાએ તેમને સત્તા પરથી હાંકી કાઢ્યા છે.

BMCમાં મેયર પદ કોને મળશે—ભાજપને કે શિંદે સેનાને—તે બાબતે હજુ પણ સસ્પેન્સ અકબંધ છે. મહાયુતિના નેતાઓ વચ્ચે બંધ બારણે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સંજય રાઉતના નિવેદનોએ એ સાબિત કરી દીધું છે કે 'માતોશ્રી' હજુ હાર માનવા તૈયાર નથી. ૨૦૨૨ના બળવાની યાદ અપાવતા રાઉતે કહ્યું કે જેઓ બીજાનું ઘર તોડે છે, તેમને હંમેશા પોતાના ઘરની ચિંતા રહેતી હોય છે. હવે જોવાનું એ રહેશે કે મેયરની ચૂંટણીના દિવસે આ 'હોટેલ પોલિટિક્સ' શિંદેને સફળતા અપાવે છે કે પછી સંજય રાઉતનો 'ખેલ' કોઈ નવો વળાંક લાવે છે.

(2:35 PM IST)