News of Sunday, 18th January 2026
જીમેલ યુઝર્સ માટે 'ગોલ્ડન અપડેટ': હવે નવું એકાઉન્ટ બનાવ્યા વગર જ બદલી શકાશે ઈમેલ આઈડી, ગૂગલે આપ્યું મોટું 'ગિફ્ટ'
વર્ષોની માંગણીનો સુખદ અંત: તમારું પાયાનું '@gmail.com' એડ્રેસ હવે થઈ શકશે ચેન્જ; જૂના ડેટા, ફોટો અને મેસેજ પર કોઈ અસર નહીં પડે - નવું આઈડી બનાવ્યા પછી પણ જૂના આઈડી પર આવતા ઈમેઈલ આપોઆપ મળશે, જાણો આ ફીચરના નિયમો અને કેવી રીતે કરી શકશો ફેરફાર

નવી દિલ્હી:ગૂગલે આખરે કરોડો યુઝર્સની તે ઈચ્છા પૂરી કરી છે જેના માટે તેઓ દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી જીમેલમાં એકવાર ઈમેલ આઈડી બનાવી લીધા પછી તેને બદલવાનો કોઈ રસ્તો નહોતો, જો તમારે નવું આઈડી જોઈતું હોય તો નવું એકાઉન્ટ જ બનાવવું પડતું હતું. પરંતુ ગૂગલના તાજેતરના અહેવાલો મુજબ, હવે યુઝર્સ પોતાના વર્તમાન એકાઉન્ટમાં જ પ્રાથમિક ઈમેલ એડ્રેસ બદલી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેમના ઈમેલ આઈડી હવે જૂના કે વિચિત્ર લાગે છે અને તેઓ નવું પ્રોફેશનલ આઈડી ઈચ્છે છે.
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે તમે તમારું ઈમેલ એડ્રેસ બદલશો, ત્યારે તમારો જૂનો ડેટા—જેમ કે જીમેલ મેસેજ, ગૂગલ ડ્રાઈવની ફાઈલો અને ગૂગલ ફોટોઝ—સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તમારું જૂનું ઈમેલ આઈડી એક 'એલિયસ' (Alias) તરીકે કામ કરશે. એટલે કે, જો કોઈ ભૂલથી તમારા જૂના આઈડી પર ઈમેઈલ મોકલશે, તો પણ તે તમારા નવા ઈનબોક્સમાં જ મળશે. આ ઉપરાંત, તમે જૂના અને નવા એમ બંને આઈડીનો ઉપયોગ કરીને ગૂગલ સર્વિસમાં લોગિન કરી શકશો.
ગૂગલે આ સુવિધા સાથે કેટલીક મહત્વની શરતો પણ મૂકી છે જે યુઝર્સે જાણવી જરૂરી છે. પ્રથમ તો, તમે વર્ષમાં માત્ર એક જ વાર તમારું ઈમેલ આઈડી બદલી શકશો. બીજું, આખા જીવનકાળ દરમિયાન એક એકાઉન્ટ પર વધુમાં વધુ ૩ થી ૪ વખત જ આ ફેરફાર કરવાની છૂટ મળશે. એકવાર આઈડી બદલ્યા પછી, આગામી ૧૨ મહિના સુધી તમે ફરીથી નવું આઈડી બનાવી શકશો નહીં. આ મર્યાદા એટલા માટે રાખવામાં આવી છે જેથી કોઈ આ સુવિધાનો દુરુપયોગ ન કરે.
જો તમે પણ તમારું ઈમેલ એડ્રેસ બદલવા માંગતા હોવ, તો તમારે ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને 'Personal Info' સેક્શનમાં 'Email' પર ક્લિક કરવાનું રહેશે. જો તમારા એકાઉન્ટ માટે આ સુવિધા લાઈવ થઈ ગઈ હશે, તો ત્યાં 'Change Google Account email' નો વિકલ્પ દેખાશે. આ અપડેટ હાલમાં તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવી રહી છે, જેનો અર્થ છે કે કેટલાક યુઝર્સને તે અત્યારે જોવા મળશે અને અન્યને આગામી થોડા અઠવાડિયામાં ઉપલબ્ધ થશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
