<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ગ્વાલિયરનો હચમચાવી દેતો કિસ્સો: માતા જ્યોતિ રાઠોડે જ પાંચ વર્ષના માસૂમ પુત્રને બીજા માળેથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા

પડોશી ઉદય ઈન્દોલિયા સાથેના અનૈતિક સંબંધોમાં તેનો પાંચ વર્ષનો માસૂમ પુત્ર જતિન અડચણરૂપ બની રહેલ: ઘટનાના દિવસે જતિને પોતાની માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ લીધેલ: આથી પોતાના પાપને છુપાવવા માટે આ કળિયુગી માતાએ મમતાનું ગળું ઘોંટી દીધું હતું

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માનવતાને લજવતો અને મમતાને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેનો હવે કોર્ટમાં ન્યાયિક અંત આવ્યો છે. પોતાના જ પાંચ વર્ષના માસૂમ પુત્રની હત્યા કરનારી માતા જ્યોતિ રાઠોડને કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગતો એટલી ક્રૂર છે કે સાંભળનારનું કાળજું કંપી જાય.

 

આ સમગ્ર મામલો ગ્વાલિયરના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યોતિ રાઠોડ નામની મહિલાને તેના પડોશી ઉદય ઈન્દોલિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અનૈતિક સંબંધોમાં તેનો પાંચ વર્ષનો માસૂમ પુત્ર જતિન અડચણરૂપ બની રહ્યો હતો. ઘટનાના દિવસે માસૂમ જતિને પોતાની માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી. માતાને ડર હતો કે દીકરો આ વાત પિતા અથવા અન્ય પરિવારજનોને કહી દેશે. પોતાના પાપને છુપાવવા માટે આ કળિયુગી માતાએ મમતાનું ગળું ઘોંટી દીધું હતું.

 

આરોપી માતા જ્યોતિએ નિર્દયતાપૂર્વક પોતાના પાંચ વર્ષના દીકરાને ઘરના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. જમીન પર પટકાવાને કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે જ્યોતિએ એક ખોટી વાર્તા રચી હતી. તેણે પોલીસ અને પરિવારને એવું જણાવ્યું હતું કે જતિન રમતા રમતા છત પરથી નીચે પડી ગયો હતો. જોકે, પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકાસ્પદ બાબતો સામે આવી હતી.

 

પોલીસે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી અને કડક પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું. કોર્ટમાં સરકારી વકીલે દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા કે બાળક જાતે પડ્યો નહોતો પરંતુ તેને ફેંકવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણનો ખુલાસો થવાના ડરે જ આ હત્યા કરવામાં આવી હતી. 

 

ગ્વાલિયરની અપર સત્ર ન્યાયાલયે તમામ સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને જ્યોતિ રાઠોડને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ હત્યા માટે દોષિત માની હતી અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ કૃત્યને અત્યંત ગંભીર ગણાવ્યું હતું, કારણ કે એક માતા જેનું કામ રક્ષણ કરવાનું છે, તે જ ભક્ષક બની ગઈ હતી.

(5:57 PM IST)