<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી બર્બરતા: નિવૃત્ત રેલવે કર્મચારીએ પત્નીના ટુકડા કરી ઘરમાં જ સળગાવ્યા: જોકે, માંસ સળગવાની અસહ્ય દુર્ગંધને કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરી: આરોપીને પકડાઈ જવાનો અંદાજ આવી જતા બચેલા અવશેષોને લોખંડની પેટીમાં ભરીને ઓટો રિક્ષામાં નાસી: છૂટ્યો પકડવા ભારે દોડધામ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં દિલ્હીના ચકચારી શ્રદ્ધા વાલકર હત્યાકાંડની યાદ અપાવે તેવી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. ઝાંસીના સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રહ્મ નગર કોલોનીમાં રહેતા એક નિવૃત્ત રેલવે કર્મચારીએ પોતાની પત્નીની હત્યા કરી એટલું જ નહીં, પરંતુ તેના મૃતદેહના ટુકડે-ટુકડા કરીને તેનો નિકાલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી જગદીશ અહિરવાર રેલવેમાંથી નિવૃત્ત થયેલો કર્મચારી છે. કોઈ પારિવારિક તકરાર અથવા અન્ય કારણોસર તેણે પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તે ગભરાયો નહીં, પરંતુ તેણે પુરાવાનો નાશ કરવા માટે એક ભયાનક યોજના બનાવી. તેણે પત્નીના મૃતદેહના નાના નાના ટુકડા કર્યા હતા. ત્યારબાદ, તે આ ટુકડાઓને પોતાના જ ઘરના એક રૂમમાં થોડા-થોડા કરીને સળગાવી રહ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય અને મૃતદેહનો નિકાલ થઈ જાય.

 

આ સિલસિલો લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો. તે રોજ શરીરના અંગો સળગાવતો હતો. જોકે, માંસ સળગવાની તીવ્ર દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગી હતી. પાડોશીઓને સતત આવી રહેલી દુર્ગંધને કારણે શંકા ગઈ હતી. જ્યારે દુર્ગંધ અસહ્ય બની ગઈ ત્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ, આરોપીને અંદાજ આવી ગયો હતો કે હવે તે પકડાઈ જશે. તેથી તે બચેલા અવશેષોને એક લોખંડની પેટી (બક્સા) માં ભરીને ઓટો રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો.

 

પોલીસે જ્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી ત્યારે ઘરના રૂમમાંથી લોહીના ડાઘા અને સળગેલા માંસના અવશેષો મળી આવ્યા હતા. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી માનસિક રીતે વિકૃત હોઈ શકે છે અથવા તો આવેશમાં આવીને તેણે આ પગલું ભર્યું હતું. 

 

હાલમાં પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ઓટો રિક્ષા ચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર ઝાંસી જિલ્લામાં અરેરાટી ફેલાવી દીધી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

(6:04 PM IST)