News of Sunday, 18th January 2026
યુપીમાં ધુમ્મસનો કહેર: શાહજહાંપુરમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રક અને બાઈક વચ્ચે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગાઢ ધુમ્મસને કારણે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઈક પર સવાર સાળા અને બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ઘટના રોઝા અને તિલહર પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે હાઈવે પર બની હતી.
શિયાળાની સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. બાઈક સવારો પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી ટ્રક તેમને જોઈ શકી નહોતી અને ધડાકાભેર અથડાઈ હતી. મૃતકોની ઓળખ સાળા અને બનેવી તરીકે થઈ છે. ટક્કર વાગતાની સાથે જ બંને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાથી તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
આ અકસ્માતની હારમાળા અહીં જ અટકી નહોતી. અકસ્માતગ્રસ્ત વાહનોને બચાવવા જતા અથવા તો ધુમ્મસને કારણે ન જોઈ શકતા એક ટેમ્પો ચાલક પણ અકસ્માતનો ભોગ બન્યો હતો. ટેમ્પો પલટી જતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઘાયલ ટેમ્પો ચાલકને સારવાર માટે સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનોને જાણ થતાં જ હોસ્પિટલ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શિયાળામાં ધુમ્મસને કારણે હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
