<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

હિમાલયમાં 'બ્રાઉન વિન્ટર'નો કહેર: બરફ વિનાના પહાડો અને જાન્યુઆરીમાં જંગલની આગે દિલ્હી સુધી ચિંતા વધારી

રશિયા-ચીનમાં હિમવર્ષાના રેકોર્ડ તૂટ્યા પણ ભારતના હિલ સ્ટેશનો તરસ્યા : સમય પહેલા ખીલેલા ફૂલો અને પહાડોમાં ધુમાડો ગ્લોબલ વોર્મિંગની ખતરનાક ચેતવણી સમાન

શ્રીનગર : જ્યારે રશિયા અને ચીનમાં આ વર્ષે કુદરતે કહેર વર્તાવ્યો છે અને હિમવર્ષાએ 146 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે ભારતનો હિમાલય એક વિચિત્ર 'સૂકા દુષ્કાળ'નો સામનો કરી રહ્યો છે. કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધીના પહાડો જે સામાન્ય રીતે જાન્યુઆરીમાં બરફથી લદાયેલા હોય છે, તે અત્યારે ઉજ્જડ અને કથ્થઈ રંગના દેખાઈ રહ્યા છે. ઉત્તરાખંડની પર્યટન રાજધાની ગણાતા ઔલી અને નૈનિતાલ જેવા વિસ્તારોમાં બરફના અભાવે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. સૌથી આશ્ચર્યજનક અને ડરામણી બાબત એ છે કે, જે પહાડો પર અત્યારે ફૂટ જેટલો બરફ હોવો જોઈએ, ત્યાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. બદ્રીનાથ અને જ્યોતિર્મથ નજીકના વિસ્તારોમાં જાન્યુઆરીમાં લાગેલી આ આગ વધતા તાપમાનનો સીધો સંકેત આપી રહી છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ઘટના અત્યંત ચિંતાજનક છે કારણ કે ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ 'રોડોડેન્ડ્રોન' જે સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં ખીલે છે, તે આ વખતે જાન્યુઆરીના મધ્યમાં જ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિનું આ અકાળે ખીલવું એ પહાડોમાં વધતી ગરમી અને બદલાતી ઇકોસિસ્ટમનો પુરાવો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો જાન્યુઆરીમાં પૂરતી હિમવર્ષા નહીં થાય, તો પહાડોમાં ભેજનું પ્રમાણ ઘટશે અને ઉનાળામાં પીવાના પાણી તેમજ ખેતી માટે ગંભીર કટોકટી સર્જાશે. કિન્નૌર જેવા સફરજનના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ બરફ વિના ખેતીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે, જેની સીધી અસર આવનારા દિવસોમાં મેદાની વિસ્તારોના બજારો અને અર્થતંત્ર પર પડશે.

જોકે, હવામાન વિભાગ તરફથી થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. 18 જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાની સંભાવના છે, જે આ સીઝનનો સૌથી શક્તિશાળી ફેરફાર હોઈ શકે છે. આના કારણે જાન્યુઆરીના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. આ મોડી શરૂ થયેલી હિમવર્ષા કદાચ પર્યટકોને ખુશ કરી શકે, પરંતુ પર્યાવરણમાં આવેલા આ મોટા ફેરફારને કારણે હવે દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં પણ હવામાનની અનિશ્ચિતતા વધી ગઈ છે. આગામી અઠવાડિયે ઉત્તર ભારતમાં વરસાદની પણ આગાહી છે, જે કદાચ પહાડોની તરસ છીપાવશે.

(7:39 PM IST)