News of Sunday, 18th January 2026
માત્ર ₹7.65 ની ચોરી અને 50 વર્ષનો લાંબો કાનૂની જંગ: અંતે મુંબઈની કોર્ટે 'ઇન્સાફ'ના નામે ફાઈલ કરી બંધ
1977માં નોંધાયેલો આ વિચિત્ર કેસ પાંચ દાયકા સુધી પોલીસ ડાયરીમાં ફરતો રહ્યો: આરોપીઓ અને ફરિયાદી બંને ગુમ છતાં કોર્ટમાં બિન-જામીનપાત્ર વોરંટ જારી થતા રહ્યા!

મુંબઈ:મુંબઈની મઝગાંવ કોર્ટે તાજેતરમાં કાયદાકીય ઇતિહાસનો એક અત્યંત દુર્લભ અને રમુજી કહી શકાય તેવો કિસ્સો કાયમ માટે શાંત કરી દીધો છે. વર્ષ 1977માં બે અજાણ્યા શખ્સો પર માત્ર ₹7.65 ની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે આ રકમ કદાચ મોટી ગણાતી હશે, પરંતુ કાયદાની ચક્રવ્યૂહમાં આ કેસ એવો ફસાયો કે 2026 સુધી તે પેન્ડિંગ રહ્યો. 50 વર્ષ સુધી પોલીસ આ 'અદ્રશ્ય' આરોપીઓને શોધતી રહી અને કોર્ટ દ્વારા બિન-જામીનપાત્ર વોરંટ પણ બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ ન તો આરોપીઓ મળ્યા કે ન તો ફરિયાદીનો પતો લાગ્યો.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આરતી કુલકર્ણીએ આ કેસની ફાઈલ પર નજર નાખ્યા બાદ અવલોકન કર્યું કે, કોઈ પણ પ્રગતિ વગર આ કેસને અનિશ્ચિત સમય માટે ચાલુ રાખવો એ ન્યાયતંત્રના સમયનો બગાડ છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે ઘણો લાંબો સમય વીતી ગયો છે અને હવે આ કેસને લંબાવવાનો કોઈ અર્થ નથી. રસપ્રદ વાત એ છે કે, કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને પોલીસને સૂચના આપી છે કે ચોરી થયેલા તે ₹7.65 જો ફરિયાદી મળે તો તેને પરત કરવા, અને જો ન મળે તો સરકારી તિજોરીમાં જમા કરાવી દેવા.
આ માત્ર એકલદોકલ કિસ્સો નથી, મઝગાંવ કોર્ટે જૂના કેસોના નિકાલ માટેના અભિયાન હેઠળ 1995ના પાસપોર્ટ એક્ટ અને 2003ના રેશ ડ્રાઇવિંગના કેસો પણ બંધ કર્યા છે. આ કિસ્સાઓ દર્શાવે છે કે કેવી રીતે નાની-નાની બાબતો દાયકાઓ સુધી કાનૂની આંટીઘૂંટીમાં અટવાયેલી રહે છે. કાયદાના નિષ્ણાતો માને છે કે આવા નજીવી રકમ અને જૂના પુરાવા વગરના કેસો બંધ કરવાથી ન્યાયતંત્ર પરનું ભારણ ઘટશે અને ખરેખર ગંભીર ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
