<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર ભભૂક્યો વિવાદ: AI થી બનેલા નકલી ફોટા વાયરલ કરવા બદલ સાંસદ સંજય સિંહ અને પપ્પુ યાદવ સામે FIR

મુક્તિધામના પુનર્વિકાસના નામે મંદિરો તોડવાનો આરોપ લગાવી સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટ ફેલાવ્યાનો પોલીસનો દાવો: નેતાઓએ કહ્યું - "અમે પાપીઓ સામે લડી રહ્યા છીએ, સંતો પણ અમારી સાથે છે."

વારાણસી:  મોક્ષની નગરી કાશીમાં મણિકર્ણિકા ઘાટના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વારાણસી પોલીસે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, કોંગ્રેસના નેતા પપ્પુ યાદવ અને જસવિંદર કૌર સહિત કુલ આઠ લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસનો આરોપ છે કે આ નેતાઓએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેથી ધાર્મિક લાગણીઓ ભડકાવી શકાય. પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમિલનાડુની એજન્સીએ ફરિયાદ નોંધાવી હતી કે આ ગેરમાર્ગે દોરતી માહિતીને કારણે લોકોમાં ઉશ્કેરાટ ફેલાઈ રહ્યો છે, જેના આધારે ચોક પોલીસ સ્ટેશનમાં કુલ આઠ FIR દાખલ કરવામાં આવી છે.

બીજી તરફ, કેસ દાખલ થતા જ સાંસદ સંજય સિંહે વળતો પ્રહાર કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાનના મતવિસ્તારમાં વિકાસના નામે પૌરાણિક મંદિરો અને માતા અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી છે. સંજય સિંહનું કહેવું છે કે આ માત્ર વિપક્ષનો વિરોધ નથી, પરંતુ કાશીના સંતો, ઋષિઓ અને અહિલ્યાબાઈ હોલકરના પરિવારજનો પણ આ તોડફોડથી નારાજ છે. તેમણે પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનના વિરોધનો પણ હવાલો આપતા કહ્યું કે, "મંદિરોનો નાશ કરનારા પાપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે અવાજ ઉઠાવનારાઓ સામે કેસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી."

વારાણસી પોલીસના ડેપ્યુટી કમિશનર ગૌરવ બંસલે જણાવ્યું હતું કે, આ મામલો માત્ર અફવા પૂરતો મર્યાદિત નથી પણ તે ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો સંગઠિત પ્રયાસ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જાણીજોઈને હકીકતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી હતી અને તેને વાયરલ કરવામાં ઘણા એક્સ (X) હેન્ડલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આઈપીસીની સંબંધિત કલમો હેઠળ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. કાશીના ઘાટ પર ચાલી રહેલા આ વિવાદે હવે આખા દેશમાં ચર્ચા જગાવી છે કે વિકાસ અને વિરાસત વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે.

(7:45 PM IST)