<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ભારતમાં 'ડિગ્રી ફેક્ટરીઓ'નો રાફડો: 75% કોલેજો વિદ્યાર્થીઓને નોકરી અપાવવામાં નિષ્ફળ : શું તમારી ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે?

ટીમલીઝ એડટેકનો સનસનીખેજ રિપોર્ટ: ઉદ્યોગોની જરૂરિયાત અને કોલેજના અભ્યાસક્રમ વચ્ચે આભ-જમીનનું અંતર : માત્ર 9% સંસ્થાઓ જ આપે છે ફરજિયાત ઇન્ટર્નશિપ : લાખો યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ

નવી દિલ્હી : ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી અત્યારે એક અત્યંત ગંભીર 'માળખાકીય કટોકટી'નો સામનો કરી રહી છે. ટીમલીઝ એડટેકના તાજેતરના અહેવાલ "ડિગ્રી ફેક્ટરીઓથી રોજગાર કેન્દ્રો સુધી" મુજબ, દેશની આશરે 75% ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ હાથમાં ડિગ્રી લઈને બહાર તો આવે છે, પરંતુ તેમની પાસે પ્રેક્ટિકલ નોલેજ કે 'જોબ-રેડી' સ્કીલ્સ હોતી નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર 16.67% સંસ્થાઓ જ એવી છે જે ગ્રેજ્યુએશનના છ મહિનામાં પોતાના મોટાભાગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાવી શકે છે, જે શિક્ષણ જગતની નબળી કડી સાબિત કરે છે.

શિક્ષણ અને રોજગાર વચ્ચેના આ વધતા અંતરનું મુખ્ય કારણ આઉટડેટેડ અભ્યાસક્રમ છે. અહેવાલમાં ખુલાસો થયો છે કે અડધાથી વધુ (51%) સંસ્થાઓ સ્વીકારે છે કે તેમનો સિલેબસ આજના ઉદ્યોગો સાથે મેળ ખાતો નથી. વર્ગખંડોમાં થીયરી તો ભણાવવામાં આવે છે, પણ વાસ્તવિક દુનિયામાં કામ કેવી રીતે થાય છે તે શીખવનારા 'પ્રોફેસર્સ ઓફ પ્રેક્ટિસ'નો અભાવ છે. માત્ર 7.56% સંસ્થાઓએ જ ઉદ્યોગ જગતના નિષ્ણાતોને ભણાવવા માટે આમંત્રિત કર્યા છે. પરિણામે, જ્યારે વિદ્યાર્થી ઇન્ટરવ્યુ આપવા જાય છે, ત્યારે કંપનીઓ તેને 'અનટ્રેન્ડ' ગણીને નકારી કાઢે છે, જે દેશના બેરોજગારીના આંકડામાં સતત વધારો કરી રહ્યું છે.

આ સમસ્યાના ઉકેલ માટે ઇન્ટર્નશિપ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સને ફરજિયાત બનાવવાની તાતી જરૂર છે. અત્યારે હાલત એવી છે કે 37.8% કોલેજોમાં ઇન્ટર્નશિપની કોઈ સુવિધા જ નથી. જો ભારતે વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવું હોય, તો શૈક્ષણિક સંસ્થાઓએ 'ડિગ્રી વેચવાનું' બંધ કરી 'કૌશલ્ય આપવાનું' શરૂ કરવું પડશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કનો ઉપયોગ અને ઉદ્યોગો સાથે સીધું જોડાણ જ આ પરિસ્થિતિને બદલી શકે છે. જો સમયસર સુધારો નહીં કરવામાં આવે, તો ભારત પાસે ડિગ્રીધારીઓની ભીડ તો હશે, પણ અર્થતંત્રને ચલાવવા માટે જરૂરી કુશળ કારીગરોની ભારે અછત સર્જાશે.

(7:48 PM IST)