<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

હરિયાણાના કેએમપી એક્સપ્રેસ વે પર હચમચાવતી ઘટના: ધુમ્મસ વચ્ચે એક સાથે પાંચ ભારે વાહનો અથડાતાં વિકરાળ આગ ફાટી નીકળી, બે લોકો ગાડીની કેબિનમાં જ જીવતા ભુંજાયા: પોલીસે ક્રેનની મદદથી વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

હરિયાણાના કેએમપી (કુંડલી-માનેસર-પલવલ) એક્સપ્રેસ વે પર રવિવારે સવારે ધુમ્મસ અને બેદરકારીને કારણે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એકબીજા સાથે પાંચ ભારે વાહનો અથડાતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના કરૂણ મોત થયા છે.

 

રવિવારે વહેલી સવારે કેએમપી એક્સપ્રેસ વે પર મોહમ્મદપુર અહીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટા વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા અન્ય વાહનો એક પછી એક તેની સાથે અથડાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ સિરિયલ અકસ્માતમાં કુલ પાંચ જેટલા ભારે વાહનો (ટ્રક અને ડમ્પર) એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. 

 

ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોમાં તરત જ આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગની જવાળાઓમાં ફસાયેલા ડ્રાઈવરો અને ક્લીનરોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. આ દુર્ઘટનામાં બે લોકો વાહનની કેબિનમાં જ ફસાઈ ગયા હતા અને જીવતા ભુંજાયા હતા. 

 

આગને કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ચૂક્યા હતા. 

 

પોલીસે ક્રેનની મદદથી રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(8:39 PM IST)