News of Sunday, 18th January 2026
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અને ધર્મ પરિવર્તન: દિલીપ કુમાર કેવી રીતે બન્યા અલ્લાહ રખા રહેમાન ?
ત્રેવીસ વર્ષની ઉંમરે પિતાનું નિધન અને બહેનની ગંભીર બીમારી વચ્ચે સૂફી સંતની દુઆ અને માર્ગદર્શનથી તેમને મોટી રાહત મળી: આ ઘટના અને સૂફી સંગીત તથા વિચારધારાથી પ્રભાવિત થઈને રહેમાને ૨૩ વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો: ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા પાછળનું સાચું કારણ અને સૂફી કનેક્શન

વિશ્વભરમાં પોતાના સંગીતનો જાદુ પાથરનાર એ.આર. રહેમાન આજે કોઈ ઓળખના મોહતાજ નથી. દિલીપ કુમાર તરીકે જન્મેલા રહેમાને યુવાનીમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, જેની પાછળ એક રસપ્રદ અને ભાવુક કહાની જોડાયેલી છે.
ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જનાર સંગીતકાર એ.આર. રહેમાનનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો અને તેમનું મૂળ નામ દિલીપ કુમાર હતું. જોકે, ૧૯૮૦ના દાયકામાં તેમના જીવનમાં આવેલા મોટા બદલાવોએ તેમને ઇસ્લામ ધર્મ તરફ વાળ્યા હતા. રહેમાન જ્યારે ખૂબ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમના પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ આવી પડ્યું હતું. આ દરમિયાન તેઓ અને તેમનો પરિવાર ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો.
આ કપરા સમયમાં રહેમાન અને તેમનો પરિવાર એક સૂફી સંતના સંપર્કમાં આવ્યો હતો.
કહેવાય છે કે રહેમાનની બહેનની તબિયત ખૂબ નાજુક હતી અને ડોક્ટરો પણ આશા છોડી ચૂક્યા હતા, તે સમયે સૂફી સંતની દુઆ અને માર્ગદર્શનથી તેમને મોટી રાહત મળી હતી. આ ઘટના અને સૂફી સંગીત તથા વિચારધારાથી પ્રભાવિત થઈને રહેમાને ત્રેવીસ વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો.
તેમણે પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન (એ.આર. રહેમાન) રાખ્યું હતું. રહેમાન હંમેશા કહે છે કે ઇસ્લામ અપનાવ્યા બાદ તેમને માનસિક શાંતિ મળી અને તેમના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો, જેની અસર તેમના સંગીતમાં પણ જોવા મળે છે. આજે પણ તેઓ પોતાની દરેક સફળતાનો શ્રેય ઈશ્વરને આપે છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
