<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ગલ્ફમાં મોટી ગેમ: સાઉદી અરેબિયાએ 'સુરક્ષા' માટે પાકિસ્તાનને પસંદ કર્યું : તો UAE એ 'સમૃદ્ધિ' માટે ભારત પર લગાવી દાવ!

UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત મધ્ય-પૂર્વની બદલાતી કૂટનીતિનો પુરાવો : ઇસ્લામિક ગઠબંધનના પરંપરાગત માળખાને તોડી ભારત-UAE ભાગીદારી બનશે વૈશ્વિક અર્થતંત્રનું નવું એન્જિન

નવી દિલ્હી :  સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન (MBZ) આવતીકાલે ભારતની ધરતી પર પગ મૂકશે, જે માત્ર એક પ્રવાસ નહીં પણ મધ્ય-પૂર્વની રાજનીતિમાં એક મોટો વળાંક સાબિત થશે. એક તરફ સાઉદી અરેબિયા ઈરાનના ડરથી પાકિસ્તાન જેવી સૈન્ય શક્તિનો સહારો લઈ રહ્યું છે, ત્યારે MBZ એ ભારત સાથે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો પ્રગતિશીલ માર્ગ અપનાવ્યો છે. પાકિસ્તાન માટે આ મુલાકાત એક મોટા આંચકા સમાન છે, કારણ કે તે વર્ષોથી મુસ્લિમ દેશોને ભારતથી દૂર રાખવાનો પ્રયાસ કરતું આવ્યું છે. પરંતુ UAE ના નેતૃત્વએ સાબિત કરી દીધું છે કે હવે તે ધર્મના ચશ્માથી નહીં, પણ ભવિષ્યની સુરક્ષા અને વેપારના દ્રષ્ટિકોણથી મિત્રતા નક્કી કરે છે.

ભૂ-રાજકીય નિષ્ણાતો માને છે કે ગલ્ફ હવે બે સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ રહ્યું છે. સાઉદી અરેબિયા પોતાની રાજશાહી બચાવવા માટે પાકિસ્તાની સેના અને પરમાણુ શિલ્ડ પર નિર્ભર થઈ રહ્યું છે, જે કદાચ તેને ટૂંકા ગાળાની સુરક્ષા આપી શકે. બીજી તરફ, UAE ની નજર ભારતની ટેકનોલોજી, વિશાળ બજાર અને સ્થિર લોકશાહી પર છે. લાલ સમુદ્રમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા ખતરા વચ્ચે ભારતને ઉર્જા સુરક્ષાની જરૂર છે, અને UAE ને પોતાના અબજો ડોલરના રોકાણ માટે સુરક્ષિત આશ્રયસ્થાન જોઈએ છે. આ 'ભાઈ-ભાઈ' જેવી મિત્રતા હવે માત્ર તેલ વેચવા-ખરીદવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સ્પેસ, સંરક્ષણ અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર સુધી વિસ્તરી ચૂકી છે.

આ મુલાકાત દરમિયાન 'ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર' (IMEC) ને ફરીથી જીવંત કરવા પર ચર્ચાઓ થઈ શકે છે, જે ચીનના BRI પ્રોજેક્ટ અને પાકિસ્તાનના ગ્વાદર બંદર માટે સીધો પડકાર બનશે. સાઉદી અરેબિયા ભલે પાકિસ્તાનને લોન આપીને મદદ કરતું હોય, પરંતુ UAE ભારત સાથે મળીને સમૃદ્ધિનું નવું પ્રકરણ લખી રહ્યું છે. વડાપ્રધાન મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત એ વાતની પુષ્ટિ કરે છે કે દુનિયામાં ભારતનું કદ એટલું વધી ગયું છે કે હવે ગલ્ફના શક્તિશાળી દેશો પાકિસ્તાનના વાંધાઓને અવગણીને ભારત સાથે ઉભા રહેવામાં જ પોતાનું હિત જોઈ રહ્યા છે. આ મુલાકાતથી પાકિસ્તાન અને ઈરાન બંનેને સ્પષ્ટ સંદેશ જશે કે ભારતની વ્યૂહાત્મક પહોંચ હવે અજેય બની રહી

(9:05 PM IST)