<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

જમ્મુના કિશ્તવાડમાં ભીષણ અથડામણ: સાત સુરક્ષાકર્મીઓ ઘાયલ: ૩ ગંભીર: એક આતંકી પણ ઝખમી થયાના અહેવાલ: અંધારાનો લાભ લઈને આતંકીઓ નાસી ન છૂટે તે માટે ચારે બાજુ સજ્જડ ઘેરાબંધી: 'નાઈટ કોર્ડન' લગાવી દેવામાં આવ્યો

સિંહપોરાના જંગલોમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો: જૈશ-એ-મોહમ્મદના ત્રણેક આતંકીઓ ઘેરાયાની આશંકા: ઓપરેશન ચાલુ

જમ્મુ (સુરેશ ડુગ્ગર દ્વારા): જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે મોટી અથડામણ થઈ હતી. છેલ્લે મળતા સમાચાર મુજબ, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના સાત જવાનો ઘાયલ થયા છે. સામા પક્ષે સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને પણ ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ હોવાની માહિતી મળી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના કિશ્તવાડના સિંહપોરા વિસ્તારમાં બની હતી. સુરક્ષા દળોને ગુપ્તચર તંત્ર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે સિંહપોરાના જંગલ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે. આ માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં મોટા પાયે 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' (ઘેરાબંધી અને તપાસ અભિયાન) હાથ ધર્યું હતું.

સુરક્ષા દળો જ્યારે શંકાસ્પદ સ્થળની તપાસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ અચાનક જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં સાત જવાનો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે સેનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઘેરાયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાની પ્રબળ શક્યતા છે. અંદાજે બેથી ત્રણ આતંકવાદીઓ જંગલના વિસ્તારમાં ફસાયેલા છે. અંધારાનો લાભ લઈને આતંકીઓ નાસી ન છૂટે તે માટે સુરક્ષા દળોએ ચારે બાજુથી ઘેરાબંધી મજબૂત કરી દીધી છે અને વિસ્તારમાં 'નાઈટ કોર્ડન' લગાવી દેવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને જોતા વધારાની કુમક ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર રહેવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં સેના દ્વારા ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

(9:08 PM IST)