<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ઈરાનમાં હિંસામાં 5,000 ના મોત અને 24,000 ની ધરપકડ છતાં ખામેની શાસન અડગ : હિંસા પાછળ વિદેશી ષડયંત્રનો આક્ષેપ

મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે 'સત્તા પરિવર્તન' ના જંગમાં ફેરવાયું : કુર્દિશ વિસ્તારોમાં સૌથી વધુ હિંસા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ છતાં દુનિયા સમક્ષ પહોંચી રહી છે ઈરાનની ભયાનક વાસ્તવિકતા

તેહરાન:  ઈરાનની સડકો પર છેલ્લા કેટલાક મહિનાઓથી લોહીની નદીઓ વહી રહી છે. 28 ડિસેમ્બરથી શરૂ થયેલા આ પ્રચંડ જનઆક્રોશમાં અત્યાર સુધીમાં અંદાજે 5,000 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે, જેમાં 500 જેટલા સુરક્ષા જવાનોનો પણ સમાવેશ થાય છે. જે વિરોધ પ્રદર્શન માત્ર મોંઘવારી અને બેરોજગારી સામે શરૂ થયા હતા, તેણે હવે ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાનના ખૂણેખૂણેથી ધાર્મિક શાસન નાબૂદ કરવાના નારા ગુંજી રહ્યા છે. જોકે, ઈરાની સરકાર આ આંદોલનને જનતાનો અવાજ માનવાને બદલે તેને 'આતંકવાદી કાવતરું' ગણાવી રહી છે. સત્તાધીશોનો દાવો છે કે વિદેશી શક્તિઓએ દેશને અસ્થિર કરવા માટે તોફાનીઓને હથિયાર પૂરા પાડ્યા છે.

માનવાધિકાર સંગઠનોના મતે ઈરાનની જેલો અત્યારે પ્રદર્શનકારીઓથી ઉભરાઈ રહી છે. 24,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી ઘણાના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો નિર્દોષોની ફાંસી અટકાવવામાં નહીં આવે, તો અમેરિકા શાંત બેસશે નહીં. જોકે, ઈરાની ન્યાયતંત્રે રવિવારે કરેલી સ્પષ્ટતા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, કારણ કે તેમણે ફાંસીની સજા ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. આ કાયદાકીય અને રાજદ્વારી ખેંચતાણ વચ્ચે સામાન્ય ઈરાની નાગરિક પીસાઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ ખામેની શાસનને નમાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગે છે.

ઈરાનના ઉત્તરપશ્ચિમ કુર્દિશ વિસ્તારો અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. અહીં સુરક્ષા દળો અને સશસ્ત્ર જૂથો વચ્ચે ભીષણ અથડામણો થઈ રહી છે. ઈરાન સરકારનો આરોપ છે કે ઈરાક તરફથી ઘૂસણખોરી કરીને આતંકીઓ દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. દુનિયાને અંદરની સાચી હકીકત ખબર ન પડે તે માટે સરકારે ઇન્ટરનેટ પર સંપૂર્ણ કાપ મૂકી દીધો છે. 'નેટબ્લોક્સ' જેવી સંસ્થાઓના મતે, આ ડિજિટલ બ્લેકઆઉટને કારણે ઈરાનની અંદર થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના કિસ્સાઓ બહાર આવતા અટકી ગયા છે. ભલે રસ્તાઓ પર અત્યારે થોડી શાંતિ દેખાતી હોય, પણ ઈરાનની જનતાના હૃદયમાં લાગેલી આ વિરોધની આગ ગમે ત્યારે જ્વાળામુખી બનીને ફાટી શકે છે.

(9:11 PM IST)