હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાઝા શાંતિ મિશનમાં પાકિસ્તાનની 'સરપ્રાઈઝ' એન્ટ્રી: ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફને શાંતિ બોર્ડમાં જોડાવા આપ્યું આમંત્રણ
વૈશ્વિક શાંતિ પ્રયાસોમાં પાકિસ્તાન ભજવશે મહત્વની ભૂમિકા : યુએસ પ્રમુખના આમંત્રણ બાદ વિદેશ મંત્રાલયે પેલેસ્ટાઈન મુદ્દે કાયમી અને ન્યાયી ઉકેલ લાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાની રાજનીતિ અને રાજદ્વારી વર્તુળોમાં અત્યારે એક મોટા સમાચાર ગુંજી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી 'ગાઝા શાંતિ બોર્ડ'માં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન હવે ગાઝામાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સક્રિય ભાગીદાર બનશે. મધ્ય-પૂર્વમાં વર્ષોથી ચાલી રહેલી હિંસાને અટકાવવા માટે ટ્રમ્પ પ્રશાસન જે નવું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે, તેમાં પાકિસ્તાનની ભાગીદારી વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
પાકિસ્તાન શરૂઆતથી જ પેલેસ્ટિનિયન મુદ્દે 'ટુ-સ્ટેટ સોલ્યુશન' (બે-રાજ્ય ઉકેલ) નું સમર્થક રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોને અનુસરવાની હિમાયત કરતું આવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ શાંતિ બોર્ડનો મુખ્ય હેતુ ગાઝામાં માનવતાવાદી કટોકટીને ઉકેલવી, કાયમી યુદ્ધવિરામ લાવવો અને ભાવિ રાજકીય માળખા વિશે ચર્ચા કરવાનો છે. પાકિસ્તાન માને છે કે આ ભાગીદારીથી મધ્ય-પૂર્વીય બાબતોમાં તેની રાજદ્વારી ભૂમિકા વધુ મજબૂત થશે અને તે પેલેસ્ટિનિયન લોકોને રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકશે. ટ્રમ્પ તરફથી મળેલું આ આમંત્રણ પાકિસ્તાન માટે વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવાની એક મોટી તક સામાન છે.
શાંતિ બોર્ડની સ્થાપના પાછળ અમેરિકા સહિતની વૈશ્વિક શક્તિઓનો ઈરાદો એક એવું સામાન્ય પ્લેટફોર્મ બનાવવાનો છે, જ્યાં તમામ પક્ષો એકસાથે બેસીને લાંબા ગાળાનો ઉકેલ શોધી શકે. જોકે, નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન જેવી આર્થિક કટોકટીમાં ફસાયેલી શક્તિને આ બોર્ડમાં સ્થાન આપવું એ ટ્રમ્પની એક અલગ જ 'ચેકમેટ' રમત હોઈ શકે છે. આગામી દિવસોમાં પાકિસ્તાન આ વૈશ્વિક પહેલમાં કેવી રીતે અને કેટલું યોગદાન આપે છે, તેના પર આખા વિશ્વની મીટ મંડાશે. ગાઝામાં સ્થિરતા લાવવા માટેના આ નવા સમીકરણો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંબંધોમાં કેવો વળાંક લાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
