<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

બ્રિટનમાં ભયંકર હિમવર્ષાની ચેતવણી : દેશનો મોટો ભાગ બરફની ચાદર નીચે ઢંકાઈ જશે

આ મહિનાના અંતમાં ‘આર્કટિક બ્‍લાસ્‍ટ'ને કારણે ૭૦ સેન્‍ટિમીટર (૨૮ ઇંચ) સુધી બરફના થર જામશે અને તાપમાન માઈનસ ૧૪ ડિગ્રી સુધી ગગડશે

લંડન, તા.૧૯: યુકેના હવામાન વિભાગ ‘મેટ ઓફિસ' અને વેધર મેપ્‍સ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ આવનારા દિવસોમાં બ્રિટનવાસીઓને હાડ થીજવતી ઠંડી અને ભીષણ બરફવર્ષાનો સામનો કરવો પડશે; સ્‍કોટલેન્‍ડથી લઈને સાઉથ કોસ્‍ટ સુધીનું જનજીવન પ્રભાવિત થવાની શકયતા.

આંતરરાષ્‍ટ્રીય અખબાર ‘મિરર'ના ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલા તાજેતરના અહેવાલ અનુસાર, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) પર કુદરતી આફત તોળાઈ રહી છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆત અત્‍યંત ઠંડી સાથે થઈ હતી, ત્‍યારબાદ થોડા દિવસો માટે વાતાવરણમાં સાધારણ રાહત જોવા મળી હતી. પરંતુ હવે હવામાન વિભાગ અને વિવિધ વેધર મોડેલ્‍સ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ, જાન્‍યુઆરી મહિનાનો અંત બ્રિટન માટે અત્‍યંત કઠિન સાબિત થઈ શકે છે. બ્રિટનના હવામાન નકશાઓ દર્શાવે છે કે દેશનો મોટો ભાગ બરફની ચાદર નીચે ઢંકાઈ જશે.

આ અહેવાલ અને હવામાન વિભાગની આગાહી મુજબ, જાન્‍યુઆરીના છેલ્લા સપ્તાહમાં બ્રિટનમાં ‘આર્કટિક બ્‍લાસ્‍ટ' એટલે કે ઉત્તર ધ્રુવ તરફથી આવતા અત્‍યંત ઠંડા પવનોનો કહેર જોવા મળશે. આ શીત લહેરને કારણે દેશના અનેક ભાગોમાં ભારે હિમવર્ષા થવાની પ્રબળ શકયતાઓ છે.

હવામાનના નકશાઓમાં દર્શાવ્‍યા મુજબ, ૩૧ જાન્‍યુઆરીની આસપાસ મધ્‍ય સ્‍કોટલેન્‍ડ અને ઉત્તરીય ઇંગ્‍લેન્‍ડમાં પરિસ્‍થિતિ સૌથી વધુ વિકટ બની શકે છે.

આગાહીમાં જણાવવામાં આવ્‍યું છે કે સ્‍કોટલેન્‍ડના કેટલાક વિસ્‍તારોમાં ૭૦ સેન્‍ટિમીટર (લગભગ ૨૮ ઇંચ) થી વધુ બરફના થર જામી શકે છે, જે જનજીવનને વ્‍યાપક અસર કરી શકે છે.

ડબલ્‍યુએક્‍સ ચાર્ટસ નામના વેધર મેપિંગ ડેટા અનુસાર, ૩૧ જાન્‍યુઆરીના રોજ સાંજે ૬ વાગ્‍યાની આસપાસ સ્‍કોટલેન્‍ડમાં બરફની ઊંડાઈ ૭૧ સેન્‍ટિમીટર સુધી પહોંચી શકે છે, જ્‍યારે ઉત્તરીય ઇંગ્‍લેન્‍ડમાં પણ ૨૪ સેન્‍ટિમીટર જેટલી હિમવર્ષા નોંધાઈ શકે છે. આ હિમવર્ષા માત્ર ઉત્તર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ધીરે ધીરે દક્ષિણના દરિયાકિનારાના વિસ્‍તારો તરફ પણ આગળ વધશે.

એટલાન્‍ટિક મહાસાગર તરફથી આવતું લોપ્રપ્રેશર (હવાનું હળવું દબાણ) અને ઉત્તર દિશામાંથી આવતી ઠંડી હવા એકબીજા સાથે ટકરાશે, જેના પરિણામે વાતાવરણમાં ભેજ અને ઠંડીનું મિશ્રણ તોફાની બરફવર્ષામાં પરિવર્તિત થશે.

તાપમાનની વાત કરીએ તો, હવામાન વિભાગે ચેતવણી ઉચ્‍ચારી છે કે ૩૦ જાન્‍યુઆરીની આસપાસ મધ્‍ય સ્‍કોટલેન્‍ડમાં પારો ગગડીને માઈનસ-૧૪ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી શકે છે. દેશના અન્‍ય ભાગોમાં પણ તાપમાન શૂન્‍ય ડિગ્રીની આસપાસ અથવા તેનાથી નીચે રહેવાની શકયતા છે.

મેટ ઓફિસના જણાવ્‍યા અનુસાર, ૨૨ થી ૩૧ જાન્‍યુઆરીના સમયગાળા દરમિયાન પશ્‍ચિમ દિશામાંથી આવતી એટલાન્‍ટિક વેધર સિસ્‍ટમ અને પૂર્વ દિશામાંથી આવતા ઠંડા પવનો વચ્‍ચે સંઘર્ષ જોવા મળશે. શરૂઆતમાં વાતાવરણ થોડું વાદળછાયું અને વરસાદી રહી શકે છે, પરંતુ ત્‍યારબાદ ઉત્તર-પૂર્વના વિસ્‍તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.

હવામાન નિષ્‍ણાતોએ લોકોને સાવચેત રહેવા જણાવ્‍યું છે. ઠંડા હવામાન તરફના સંક્રમણની શકયતાઓ પ્રબળ છે, જે દેશના વિવિધ ભાગોમાં હિમવર્ષા લાવશે. આ પ્રકારના હવામાનને કારણે વાહનવ્‍યવહાર, વીજળી પુરવઠો અને લોકોની દિનચર્યા પર માઠી અસર પડી શકે છે. આમ, જાન્‍યુઆરી ૨૦૨૬નો અંત બ્રિટનવાસીઓ માટે થીજાવી દેનારો અનુભવ બની રહેશે.

(11:17 AM IST)