<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

૬ વર્ષના તાપસ નામના છોકરાને કોઈકે ચિપ્‍સનું પેકેટ લઈને આપ્‍યું હતું

ચિપ્‍સ સાથે મળેલો ફુગ્‍ગો ફુલાવવા જતાં મોંમાંથી શ્વાસનળીમાં ફસાઈ ગયો અને છ વર્ષના બાળકનું મૃત્‍યુ થયું

ભુવનેશ્‍વર તા.૧૯: ઓડિશામાં એક બાળકે ફુગ્‍ગો ફુલાવતી વખતે ગરબડ કરીને શ્વાસ બહાર ફેંકવાને બદલે ઊંડો ખેંચતાં ફુગ્‍ગો મોંમાં જતો રહ્યો હતો. ૬ વર્ષના તાપસ નામના છોકરાને કોઈકે ચિપ્‍સનું પેકેટ લઈને આપ્‍યું હતું. તેણે આરામથી પહેલાં તો પેકેટ ખોલ્‍યું અને પછી ચિપ્‍સ ખાવાની શરૂ કરી. એ પછી એમાંથી એક બલૂન જેવું રમકડું પણ તેને મળ્‍યું. તેણે એ ફુગ્‍ગાને ફુલાવવાની કોશિશ કરી. જોકે એ જ વખતે તેણે શ્વાસ છોડવાને બદલે એટલો જોરથી ખેંચી લીધો કે ફુગ્‍ગો મોંમાં જતો રહ્યો અને એટલો ઊંડો જતો રહ્યો કે મોંમાં ઊંડે જઈને ગળામાં ફસાઈ ગયો. એને કારણે શ્વાસ લેવામાં તેને મુશ્‍કેલી થવા લાગી. તરત જ પરિવારજનો તેને ડોક્‍ટર પાસે લઈ ગયા. ડોક્‍ટરે ગળામાં ઊંડે ઊતરી ગયેલા ફુગ્‍ગાને કાઢવા માટે ચીપિયો નાખ્‍યો, પણ ફુગ્‍ગો ખૂબ જ ઊંડે જતો રહ્યો હતો. શ્વાસ રૂંધાવાને કારણે ત્‍વચાનો રંગ ભૂરો થવા લાગતાં તેને મોટી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો. જોકે ત્‍યાંના ડોક્‍ટરોએ તેને તપાસીને જ મૃત ઘોષિત કરી દીધો હતો.

(10:13 AM IST)