<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

એવું ગામ જ્‍યાં રિવાજ પ્રમાણે પતિ બને છે ઘર જમાઈ, છોકરી ક્‍યારેય સાસરે જતી નથી

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, જ્‍યાં ડગલેને પગલે સંસ્‍કૃતિ બદલાય છે

શિલૌંગ તા.૧૯: ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વર્ષોથી એવી પરંપરા ચાલી આવે છે કે, છોકરી એક દિવસ લગ્ન કરીને પોતાનું ઘર છોડીને સાસરે જાય છે. લગ્ન પછી છોકરીનું આખું જીવન પતિ અને સાસુ-સસરાની સેવાના આસપાસ જ વીતે છે. આજે પણ મોટાભાગની છોકરીઓ લગ્ન પછી સાસરે જ જાય છે. પરંતુ ભારતમાં એક એવો સમુદાય પણ છે જ્‍યાં, છોકરીઓની નહીં પરંતુ છોકરાઓની વિદાય થાય છે. આ સમુદાય પિતૃસત્તાક નહીં, પરંતુ માતૃસત્તાક સમાજની પરંપરાને અનુસરે છે. આજે પણ આ સમુદાયના લોકો આ પરંપરાને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. ચાલો જાણીએ આ સમુદાય વિશે અને લગ્ન સાથે જોડાયેલા આ અનોખા રિવાજ વિશે...

મેઘાલયની ખાસી જનજાતિ તેના માતૃસત્તાક સમાજ માટે વિશ્વભરમાં જાણીતી છે. અહીં પરિવારની વડા માતા હોય છે અને વંશ પણ માતાના નામે જ આગળ વધે છે. લગ્ન પછી વરરાજો તેની પત્‍નીના ઘરે રહેવા જાય છે, જેને 'જમાઈ રાજા' તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજે પણ તે એટલી જ મજબૂત છે.

લગ્ન બાદ જ્‍યારે વિદાયનો સમય આવે છે, ત્‍યારે વરરાજાના પરિવારના સભ્‍યો રડે છે કારણ કે તેમનો દીકરો હવે બીજાના ઘરે જઈ રહ્યો હોય છે. પત્‍નીના ઘરે ગયા પછી, પતિએ ત્‍યાંના તમામ ઘરકામમાં મદદ કરવી પડે છે અને, પરિવારની જવાબદારીઓ ઉપાડવી પડે છે. જો પત્‍ની કામકાજ અર્થે બહાર જાય, તો પતિ ઘરની સંભાળ રાખે છે.

ખાસી સમુદાયનો સૌથી મોટો નિયમ મિલકતને લઈને છે. અહીં પિતાની મિલકત પુત્રોને નહીં, પણ પુત્રીઓને મળે છે. તેમાં પણ પરિવારની સૌથી નાની પુત્રી, જેને ખતદુહ (Khadduh) કહેવામાં આવે છે, તે સમગ્ર મિલકતની મુખ્‍ય વારસદાર બને છે. તેની જવાબદારી તેના માતા-પિતાની સંભાળ રાખવાની અને પરિવારના અન્‍ય સભ્‍યોને આશરો આપવાની હોય છે.

ભારતમાં લગ્ન પછી છોકરીઓની વિદાય થાય છે, પરંતુ ખાસી જનજાતિમાં છોકરીઓની નહીં પણ છોકરાઓની વિદાય થાય છે. આ સમુદાયના છોકરાઓ સાસરે જાય છે, આ સિવાય છોકરાઓ ઘરનું તમામ કામ કરે છે અને, છોકરીઓ બહારનું કામ સંભાળે છે. આ સમુદાયમાં આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. આસામ અને મેઘાલય રાજ્‍યની ખાસી જનજાતિના પરિવારમાં મહિલા જ ઘરની મુખ્‍ય હોય છે. આથી જ મિલકત અને ઘરની જવાબદારી દીકરીને સોંપવામાં આવે છે. અહીં પુરુષો નિર્ણયો લેવામાં સહયોગ આપે છે, પરંતુ અંતિમ નિર્ણય તો મહિલાનો જ માન્‍ય રાખવામાં આવે છે.

જોકે, સમયની સાથે આ પરંપરામાં કેટલાક પરિવર્તનની માંગ પણ ઉઠી છે. કેટલાક પુરુષ સંગઠનોએ પિતૃસત્તાક વ્‍યવસ્‍થા માટે અવાજ ઉઠાવ્‍યો છે, જેથી પુરુષોને પણ મિલકતમાં હક મળે અને બાળકોને પિતાનું નામ મળી શકે. તેમ છતાં, બહુમતી સમાજ આજે પણ આ પ્રાચીન માતૃસત્તાક પરંપરાને ગર્વથી નિભાવી રહ્યો છે

(10:33 AM IST)