<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

યાદવ પરિવારમાં ભડકો: મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવે પત્ની અપર્ણાને ગણાવી ‘પરિવારનો નાશ કરનાર’, ટૂંક સમયમાં લેશે છૂટાછેડા

“સ્વાર્થી સ્ત્રીની ખ્યાતિની ભૂખે મારા સંબંધો તોડી નાખ્યા” – ઇન્સ્ટાગ્રામ પર પ્રતીકની વિસ્ફોટક પોસ્ટથી ખળભળાટ; ભાજપ નેતા અપર્ણા યાદવ સામે ગંભીર આક્ષેપો

લખનૌ, તા. ૧૯: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક સ્વ. મુલાયમ સિંહ યાદવના પરિવારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે યુપીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુલાયમ સિંહના પુત્ર પ્રતીક યાદવે પોતાની પત્ની અને ભાજપ નેતા અપર્ણા બિષ્ટ યાદવ સામે મોરચો માંડ્યો છે. પ્રતીકે જાહેરમાં અપર્ણા પર ગંભીર આક્ષેપો કરી જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં છૂટાછેડા માંગશે.
ઇન્સ્ટાગ્રામ પર ઠાલવ્યો આક્રોશ
સોમવારે પોતાના વેરિફાઈડ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરતા પ્રતીક યાદવે લખ્યું કે, "હું આ સ્વાર્થી સ્ત્રીને શક્ય તેટલી વહેલી તકે છૂટાછેડા આપવાનો છું. તેણે મારા તમામ કૌટુંબિક સંબંધો તોડી નાખ્યા છે. તેને માત્ર સત્તા, પ્રભાવ અને પ્રખ્યાત થવાની જ ભૂખ છે." પ્રતીકે વધુમાં ઉમેર્યું કે તે હાલમાં અત્યંત ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ અપર્ણાને માત્ર પોતાની જ પડી છે.
‘કમનસીબ લગ્ન’ અને પારિવારિક તિરાડ
પોતાની પોસ્ટમાં પ્રતીકે અપર્ણાને ‘ખરાબ આત્મા’ ગણાવતા કહ્યું કે તેની સાથે લગ્ન કરવા તે તેના જીવનની મોટી કમનસીબી હતી. પ્રતીક યાદવ એ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના યાદવના પુત્ર છે, જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમના સાવકા ભાઈ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે અપર્ણાનું ભાજપમાં જોડાવું અને હવે પ્રતીકના આ આક્ષેપો યાદવ પરિવારની આંતરિક તિરાડને વધુ ઘેરી બનાવી રહ્યા છે.
અપર્ણા યાદવનું મૌન
અપર્ણા યાદવ, જેઓ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ છે, તેમણે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અહેવાલ મુજબ, જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ ઉપલબ્ધ નહોતા અને તેમના નજીકના લોકોએ પણ અંગત બાબત ગણાવી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
રાજકીય ગલીયારામાં ચર્ચા
અપર્ણા યાદવે ૨૦૧૭માં સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ ૨૦૨૨માં તેઓ કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. હાલમાં આ પારિવારિક વિવાદ પર સમાજવાદી પાર્ટી કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રતીક યાદવની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
વિશેષ નોંધ: પ્રતીક યાદવની આ પોસ્ટ બાદ લખનૌના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું આ કેવળ અંગત ઝઘડો છે કે પછી આની પાછળ કોઈ મોટું રાજકીય કારણ છુપાયેલું છે?

(3:45 PM IST)