હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રજાસત્તાક દિવસ ૨૦૨૬: રાષ્ટ્રપતિ ભવનનું ‘એટ હોમ’ આમંત્રણ પત્ર નહીં પણ કલાનો અમૂલ્ય ખજાનો, ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની હસ્તકલાથી વિશ્વ અંજાશે
અમદાવાદની NID એ તૈયાર કર્યું અનોખું આમંત્રણ; કચરાપેટીમાં નહીં પણ દિવાલ પર શોભશે આ ઈકો-ફ્રેન્ડલી ભેટ, આસામના ‘શાંતિ રેશમ’ અને મેઘાલયના વાંસની કારીગરીનો અદભૂત સંગમ

નવી દિલ્હી : ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વર્ષે માત્ર લશ્કરી પરેડ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવતું પરંપરાગત ‘એટ હોમ’ (At Home) આમંત્રણ પણ એક નવો ઈતિહાસ રચશે. આ વર્ષે મહેમાનોને જે આમંત્રણ કાર્ડ મળશે, તે ફેંકી દેવા જેવું કાગળનું ટુકડું નહીં, પણ ભારતની ‘અષ્ટલક્ષ્મી’ એટલે કે ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોની સમૃદ્ધ હસ્તકલા અને ટકાઉ જીવનશૈલીનો જીવંત નમૂનો હશે.
અમદાવાદની NIDનું અનોખું સર્જન
આ ખાસ આમંત્રણને અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો — આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમની પરંપરાઓને ઉજાગર કરવાનો છે. આ એવું કાર્ડ છે જેને તમે વર્ષો સુધી સંભાળીને રાખી શકશો અને ગર્વથી તમારી દિવાલ પર સજાવી શકશો.
‘શાંતિ રેશમ’ અને સાંસ્કૃતિક નકશો
આમંત્રણની સાથે મહેમાનોને ઉત્તર-પૂર્વનું પ્રખ્યાત ‘એરી સિલ્ક’ (Eri Silk) અર્પણ કરવામાં આવશે. આ રેશમને ‘અહિંસા’ અથવા ‘શાંતિ રેશમ’ કહેવામાં આવે છે કારણ કે તેમાં રેશમના કીડાને માર્યા વગર કુદરતી રીતે કાપડ બનાવવામાં આવે છે. આ સિલ્ક પર નાગાલેન્ડની મિથુન ગાય, મણિપુરનું શિરુઈ લીલી અને મિઝોરમના લાલ વાંદા ઓર્કિડ જેવા સાંસ્કૃતિક પ્રતીકોને વણી લેવામાં આવ્યા છે, જે ઉત્તર-પૂર્વના કાપડના નકશા જેવું લાગે છે.
વાંસ અને હાથબનાવટનો જાદુ
આમંત્રણ માટેનું બોક્સ પણ કલાત્મક છે. તેનો આધાર ત્રિપુરાના લૂમ્સમાંથી બનેલી વાંસની સાદડી છે, જ્યારે તેના પર મેઘાલયના વાંસમાંથી બનેલા ચાર્મ્સ (Charms) લગાવવામાં આવ્યા છે. મધ્યમાં એક અષ્ટકોણીય વાંસની ફ્રેમમાં દિવાલ પર લટકાવી શકાય તેવું સ્ક્રોલ (Wall Scroll) છે, જે આઠ રાજ્યોના કારીગરોની કુશળતા દર્શાવે છે. આસામનો ગૌરવ ‘ગોગોના’ (વાંસની વીણા) અને મણિપુરનું પ્રખ્યાત ‘લોંગપી’ માટીકામ પણ આ પ્રદર્શનનો ભાગ છે.
કારીગરોને નવું પ્રોત્સાહન
આ પહેલ દ્વારા ભારત સરકારે વન-ટાઇમ યુઝ પ્લાસ્ટિક કે કાગળના કચરા સામે જંગ છેડ્યો છે. આ કાર્યક્રમ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા કારીગરોની મહેનતને આંતરરાષ્ટ્રીય મંચ મળશે. ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં જ્યારે મહેમાનો એકઠા થશે, ત્યારે તેઓ પોતાની સાથે માત્ર એક આમંત્રણ નહીં, પણ ‘નવા ભારત’ની પર્યાવરણપ્રેમી સંસ્કૃતિનો એક અંશ લઈને ઘરે જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
