તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
પીએમ મોદીનું નવું મિશન: હિમાલયનું ‘જાદુઈ ફળ’ સી-બકથોર્ન બનશે યુવાનોનું સુપરફૂડ, જાણો કેમ વડાપ્રધાને આ દુર્લભ બેરી ખાવાની કરી ભલામણ
-૪૦ થી +૪૦ ડિગ્રીમાં પણ જીવંત રહેતો આ છોડ વિટામિન-સીનો છે અખૂટ ખજાનો; લદ્દાખના પહાડોમાં ઉગતી આ ઓરેન્જ બેરી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ગણાય છે આશીર્વાદ સમાન

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાન દેશના યુવાનોને એક એવા સુપરફૂડ વિશે જણાવ્યું છે જે અત્યાર સુધી માત્ર હિમાલયના પહાડો પૂરતું મર્યાદિત હતું. પીએમ મોદીએ સી-બકથોર્ન (Sea Buckthorn) નામની નારંગી રંગની બેરીના ફાયદા ગણાવતા કહ્યું કે, આ એક એવો છોડ છે જે માઈનસ ૪૦ ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ અડીખમ રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, એક અભ્યાસ મુજબ આ છોડમાં એટલું વિટામિન-સી છે કે તે સમગ્ર માનવજાતની જરૂરિયાત પૂરી કરી શકે છે.
શું છે આ સી-બકથોર્ન?
લદ્દાખ અને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉગતી આ બેરી પોષક તત્વોનો પાવરહાઉસ ગણાય છે. તેના ફળ, પાંદડા, દાંડી અને મૂળ – તમામ ભાગો ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન્સ, ઓર્ગેનિક એસિડ અને મિનરલ્સ વિપુલ પ્રમાણમાં હોય છે. પ્રાચીન તિબેટિયન અને ચીની ચિકિત્સા પદ્ધતિમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે.
શરીર માટે કેમ છે ફાયદાકારક?
• હૃદય અને શુધ્ધ રક્ત: તેમાં રહેલા ૯૦ થી વધુ પ્રકારના ફ્લેવોનોઈડ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે.
• રોગપ્રતિકારક શક્તિ: એન્ટી-ઓક્સિડન્ટ ગુણોને લીધે તે ઇન્ફેક્શન સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
• પાચન અને સ્કીન: આ સુપરફૂડ એસિડિટી, અલ્સર અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે, સાથે જ એન્ટી-એજિંગ ગુણોને લીધે ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખે છે.
ડાયેટમાં કેવી રીતે સામેલ કરશો?
પીએમ મોદીની સલાહ મુજબ, યુવાનો તેને નીચે મુજબની રીતે લઈ શકે છે:
૧. જ્યુસ: સવારે ખાલી પેટે તેના જ્યુસમાં થોડું મધ ઉમેરીને પીવાથી આખા દિવસની ઉર્જા મળે છે.
૨. હર્બલ ટી: સુકા બેરી કે પાંદડાને ગરમ પાણીમાં ઉકાળી, તેમાં લીંબુનો રસ ઉમેરીને દિવસમાં બે વાર પી શકાય છે.
૩. સેલાડ ડ્રેસિંગ: તેનું તેલ અથવા પ્યુરી ઓલિવ ઓઈલ અને મીઠા સાથે ભેળવીને હેલ્ધી સ્નેક્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
વડાપ્રધાનના આ આહ્વાન બાદ હવે લદ્દાખના આ ‘ગોલ્ડન બેરી’ની માંગ દેશભરમાં વધવાની શક્યતા છે.
હેલ્થ ટીપ: જો તમે કુદરતી રીતે વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ મેળવવા માંગતા હોવ, તો સી-બકથોર્ન એ શ્રેષ્ઠ અને શુદ્ધ ભારતીય વિકલ્પ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
