<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

કુદરતની કરામત: હરિયાણામાં ૯ દીકરીઓ પછી જન્મેલા ‘લાડકવાયા’ એ આખા ગામને ઘેલું લગાડ્યું, ૧૨ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈનું ‘દિલખુશ’ સ્વાગત!

૨૪ વર્ષની લાંબી પ્રતીક્ષાનો આવ્યો અંત: જીંદના ઉચાના કલાનમાં સુરેન્દ્ર અને રીતુના ઘરે પુત્રના જન્મથી હોસ્પિટલમાં જ મીઠાઈઓ વહેંચાઈ; ૨૧ વર્ષની મોટી બહેનથી લઈને ૩ વર્ષની નાની બહેન સુધી સૌના દિલ થયા બાગ-બાગ

જીંદ (હરિયાણા) : હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાના કલાન ગામમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્ર અને રીતુના ઘરે લગ્નના ૨૪ વર્ષ બાદ અને એક પછી એક ૯ દીકરીઓના જન્મ પછી આખરે પુત્રના જન્મથી પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. ખાસ વાત તો એ છે કે, સુરેન્દ્રના ભાઈને પણ ત્રણ દીકરીઓ જ છે અને કોઈ પુત્ર નથી, આમ આખા પરિવારની ૧૨ બહેનોને રક્ષાબંધન માટે એકમાત્ર ભાઈ મળતા આખો પરિવાર ‘દિલખુશ’ થઈ ગયો છે.
 ગર્ભવતી રીતુને સાંજે ૪ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. રીતુને પહેલાથી જ નવ દીકરીઓ હોવાથી આ વખતે આખો પરિવાર અને સગા-સંબંધીઓ ‘દીકરો’ આવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. જેવો પુત્રનો જન્મ થયો કે તુરંત જ પિતા સુરેન્દ્રએ તેનું નામ ‘દિલખુશ’ રાખી દીધું હતું. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો પણ આ અનોખી ખુશીમાં સહભાગી થયા હતા.
 સુરેન્દ્રની નવ દીકરીઓ - કલ્પના, આરતી, ભારતી, ખુશી, મનસુ, રજની, રાજીવ, કાફી અને માફી - હવે તેમના નાના ભાઈના આગમનથી અત્યંત ઉત્સાહિત છે. સૌથી મોટી દીકરી ૨૧ વર્ષની છે જ્યારે સૌથી નાની માત્ર ૩ વર્ષની છે. સુરેન્દ્રના સ્વર્ગસ્થ ભાઈની ત્રણ દીકરીઓ પણ આ બાળકને પોતાનો જ ભાઈ માની રહી છે, આમ ૧૨ બહેનો વચ્ચે ‘દિલખુશ’ એકલો ભાઈ હશે. કાકી વીણાએ ભાવુક થતા કહ્યું, "આજે અમને દુનિયાની સૌથી મોટી ખુશી મળી છે."
સિવિલ હોસ્પિટલના ડો. યોગેશ શર્માએ જણાવ્યું કે, દસમી ડિલિવરી હોવાને કારણે કેસ થોડો સંવેદનશીલ હતો. એક તબક્કે રીતુનું બ્લડ પ્રેશર વધી ગયું હતું, પરંતુ ડોક્ટરોની મહેનતથી ડિલિવરી સુરક્ષિત રહી અને માતા-બાળક બંને સ્વસ્થ છે. ઉચાના હોસ્પિટલ માટે આ એક નવો સીમાચિહ્ન છે. નવાઈની વાત એ છે કે, બે અઠવાડિયા પહેલા પણ ફતેહાબાદની એક મહિલાએ ૧૦ દીકરીઓ પછી પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ પણ દિલખુશ જ રખાયું હતું.
દીકરીઓ તો ઘરની લક્ષ્મી છે જ, પરંતુ આ પરિવાર માટે ૨૪ વર્ષની પ્રતીક્ષા બાદ પુત્રનું આગમન એક ભાવનાત્મક વિજય સમાન છે. આખું ગામ હવે આ ‘દિલખુશ’ ભાઈને જોવા ઉમટી પડ્યું છે.

(8:41 PM IST)