<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

રાહુલ ગાંધી અને શશિ થરૂર વચ્ચે ‘કોલ્ડ વોર’? એક જ મંચ પર હોવા છતાં ન તો હાથ મિલાવ્યા કે ન તો નામ લીધું, કેરળ કોંગ્રેસની ‘મહાપંચાયત’માં અંતર સ્પષ્ટ દેખાયું!

કોચીના મરીન ડ્રાઇવ પર ‘વિજયોત્સવમ 2026’માં ૧૫,૦૦૦ કાર્યકરો વચ્ચે થરૂરની દેખીતી અવગણના; સંસદમાં બાજુ પર રખાયા બાદ હવે કેરળના રાજકારણમાં પણ આંતરિક ખેંચતાણ સપાટી પર આવી

કોચી: કેરળના કોચીમાં યોજાયેલી કોંગ્રેસની ભવ્ય ‘મહાપંચાયત’માં જે દ્રશ્યો જોવા મળ્યા, તેણે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી અટકળોને આજે ફરી વેગ મળ્યો છે. મરીન ડ્રાઇવ પર આયોજિત 'વિજયોત્સવમ ૨૦૨૬' નામના આ કાર્યક્રમમાં બંને નેતાઓ એક જ સ્ટેજ પર હતા, પરંતુ તેમની વચ્ચેનું ભૌતિક અને માનસિક અંતર સૌની નજરે ચડ્યું હતું.
રાહુલ ગાંધી જ્યારે સ્ટેજ પર સંબોધન કરવા આવ્યા ત્યારે તેમણે કેરળ કોંગ્રેસના નાના-મોટા અનેક નેતાઓના નામનો ઉલ્લેખ કર્યો અને તેમને બિરદાવ્યા. નવાઈની વાત એ હતી કે, તેમણે શશિ થરૂરનું નામ લેવાનું પણ ટાળ્યું હતું. એટલું જ નહીં, સ્ટેજ પર જ્યારે નેતાઓ રાહુલને મળી રહ્યા હતા, ત્યારે શશિ થરૂર શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેમની સાથે ન તો હાથ મિલાવ્યા કે ન તો કોઈ વાતચીત કરી.
 શશિ થરૂર અને હાઈકમાન્ડ વચ્ચેના મતભેદો જૂના છે. થરૂર ઘણીવાર પક્ષની સત્તાવાર લાઇનથી અલગ જઈને નિવેદનો આપે છે, જે કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરે છે. અગાઉ તેમને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ (AIPC) ના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, ૧૨ ડિસેમ્બરે જ્યારે સંસદમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી, ત્યારે વ્હિપ હોવા છતાં થરૂર ગેરહાજર રહ્યા હતા, જેની નારાજગી આજે જોવા મળી હોય તેવું લાગે છે.
 ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક મુલાકાત દરમિયાન થરૂરે રાહુલ ગાંધીને સ્પષ્ટ પૂછ્યું હતું કે, "જો મને સંસદમાં મહત્વની ચર્ચાઓમાં બાજુ પર રાખવામાં આવતો હોય, તો શું પાર્ટી મને રાજ્યના રાજકારણ સુધી મર્યાદિત કરવા માંગે છે?" કેરળમાં થરૂરનો મોટો ચાહકવર્ગ છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પણ જોવામાં આવે છે. જોકે, હાઈકમાન્ડ સાથેનો આ અણબનાવ તેમની ભાવિ ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.
કોચીમાં આયોજિત આ કાર્યક્રમમાં ૧૫,૦૦૦ થી વધુ કાર્યકરો હાજર હતા. આગામી વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોમાં જોશ પૂરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો, પરંતુ બે મોટા નેતાઓ વચ્ચેની આ ‘શીત યુદ્ધ’ જેવી સ્થિતિએ કાર્યકરોમાં ચિંતા જગાવી છે. કેરળમાં સત્તામાં વાપસી કરવા માંગતી કોંગ્રેસ માટે આ આંતરિક ખેંચતાણ મોંઘી સાબિત થઈ શકે છે.
 શશિ થરૂર જેવા બૌદ્ધિક નેતા અને રાહુલ ગાંધી જેવા પક્ષના ચહેરા વચ્ચેનો આ અણબનાવ માત્ર વ્યક્તિગત નથી, પણ તે પાર્ટીની આંતરિક લોકશાહી અને શિસ્ત વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે.

(8:55 PM IST)