હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઉલટફેર: શિંદેને હરાવવા દુશ્મન ગણાતા ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ‘ગુપ્ત ડીલ’? BMC માં મેયર બનાવવા રચાયું ‘મિશન એબ્સન્ટ’
એકનાથ શિંદેના ‘હોટલ પોલિટિક્સ’ થી નારાજ ભાજપે ઉદ્ધવ જૂથ સાથે મિલાવ્યો હાથ! મેયરની ચૂંટણીમાં ઠાકરેના ૬૫ કોર્પોરેટરો ગેરહાજર રહી ભાજપનો રસ્તો સાફ કરશે તેવી ચર્ચાએ જગાવ્યો ખળભળાટ

મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા અણધાર્યા વળાંકો માટે જાણીતું છે, પરંતુ આ વખતે જે સમીકરણો રચાઈ રહ્યા છે તેણે સૌને ચોંકાવી દીધા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના મેયર પદ માટે એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથના દબાણથી કંટાળીને ભાજપે હવે ઉદ્ધવ ઠાકરે સાથે ‘બેકડોર’ સમજૂતી કરી લીધી હોવાની પ્રબળ શક્યતા છે. આ ડીલ મુજબ, ઉદ્ધવ ઠાકરે શિંદેને પાઠ ભણાવવા માટે પરોક્ષ રીતે ભાજપને મદદ કરી શકે છે.
શું છે ‘મિશન એબ્સન્ટ’?: BMC માં મેયર બનાવવા માટે ૧૧૪ બેઠકોની બહુમતી જોઈએ છે. ભાજપ પાસે ૮૯ બેઠકો છે અને તેને શિંદેના ૨૯ કોર્પોરેટરોની જરૂર છે. જોકે, શિંદેએ પોતાના કોર્પોરેટરોને ફાઈવ સ્ટાર હોટલમાં નજરકેદ કરી ભાજપ પર મેયર પદ માટે દબાણ લાવવાનું શરૂ કર્યું છે. આના જવાબમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે એવી યોજના બની છે કે ચૂંટણીના દિવસે ઠાકરે જૂથના ૬૫ કોર્પોરેટરો ગૃહમાં ગેરહાજર રહેશે. જો આવું થાય, તો બહુમતીનો આંકડો નીચો આવી જશે અને ભાજપ પોતાના જોરે મેયર બનાવી શકશે.
અહેવાલ મુજબ, એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતે દેવેન્દ્ર ફડણવીસ સાથે આ મુદ્દે વાત કરી છે. કલ્યાણ-ડોંબિવલીમાં શિંદે જૂથ દ્વારા ઠાકરેના કાઉન્સિલરોને તોડવાના પ્રયાસોથી ઉદ્ધવ અત્યંત નારાજ છે. બદલો લેવા માટે તેઓ ભાજપને ટેકો આપીને શિંદેની રાજકીય તાકાત ઘટાડવા માંગે છે. જોકે, સોમવારે સવારે આ સમાચાર વાયુવેગે ફેલાતા ઉદ્ધવ જૂથે સત્તાવાર રીતે આવી કોઈ પણ ચર્ચાનો ઇનકાર કર્યો છે.
એકનાથ શિંદે મેયર પદ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમણે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા અથવા મેયર પદ પોતાના પક્ષને મળે તે માટે ભાજપ પર દબાણ વધાર્યું છે. બીજી તરફ, ભાજપ હવે શિંદે પર નિર્ભર રહેવા માંગતું નથી. મુંબઈમાં ભાજપ અને શિંદે પાસે સંયુક્ત રીતે ૧૧૮ બેઠકો છે, પરંતુ અવિશ્વાસ એટલો વધી ગયો છે કે ભાજપે પોતાના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને મુંબઈ ન છોડવા આદેશ આપ્યો છે.
માત્ર મુંબઈ જ નહીં, પરંતુ ચંદ્રપુર અને ઉલ્લાસનગરમાં પણ રાજકીય ગણિત બદલાયા છે. ચંદ્રપુરમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાસે બહુમતી નથી, ત્યાં ઉદ્ધવ ઠાકરે કિંગમેકરની ભૂમિકામાં છે. જાણકારોનું માનવું છે કે ફડણવીસના ઈશારે જ આ બધી ગણતરીઓ થઈ રહી છે જેથી શિંદેને મર્યાદિત કરી શકાય. આગામી ૧૫ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી. જો શિંદેને રોકવા માટે ઉદ્ધવ અને ભાજપ એક મંચ પર આવે, તો તે મહારાષ્ટ્રના ઈતિહાસની સૌથી મોટી રાજકીય ઘટના ગણાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
